આણંદ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે વિશેષ ઝુંબેશનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ   

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૨૭/૧૧/૨૦૨૬ના રોજ સુધારણા માટેની મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.

મતદારયાદી સુધારણાની આ પ્રક્રિયામાં કોઈ પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મતદારોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ઊત્સવ ગૌતમ દ્વારા ખાસ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ આગામી ત્રણ રવિવાર એટલે કે તા. ૨૯/૧૧/૨૦૨૬, તા. ૦૬/૧૨/૨૦૨૬ અને તા. ૧૩/૧૨/૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી તમામ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે અને નાગરિકો પાસેથી હક્ક-દાવા તેમજ વાંધા અરજીઓનો સ્વીકાર કરશે.

આ કાર્યક્રમમાં યુવા અને ભાવિ મતદારો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે યુવાઓ તા.૦૧/૦૧/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તે ઉપરાંત વર્ષ ૨૦૨૭ની આગામી ત્રણ લાયકાત તારીખો એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૭, તા. ૦૧/૦૭/૨૦૨૭ અને તા. ૦૧/૧૦/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ભાવિ મતદારો પણ એડવાન્સમાં ફોર્મ નંબર ૬ ભરીને પોતાની અરજી આપી શકશે.

મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ-૬, નામ કમી કરવા માટે ફોર્મ-૭ અને નામ, સરનામાં કે અન્ય વિગતોમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ-૮ ભરીને આપવાનું રહેશે. ખાસ કરીને સ્થળાંતરિત થયેલા, વંચિત અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગના નાગરિકોને મતદાન નોંધણીમાં જરૂરી માર્ગદર્શન અને ત્વરિત સહાય મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ ટોલ-ફ્રી નંબર ૧૯૫૦ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો આ હેલ્પડેસ્ક સુવિધાનો લાભ લઈ શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આણંદ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિશેષ ઝુંબેશના દિવસો દરમિયાન પોતાના મતદાન મથક પર જઈને મુસદ્દા મતદારયાદીમાં પોતાની વિગતો ચકાસી લે. જો નામ નોંધણીમાં કોઈ ક્ષતિ હોય અથવા નવું નામ ઉમેરવાનું હોય તો આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ આણંદ જિલ્લાની મતદારયાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવામાં સહયોગ આપે તેમ જણાવાયું છે.

Related posts

Leave a Comment