આણંદ ખાતે “પા પા પગલી” યોજના અંતર્ગત ‘બાળમેળો-૨૦૨૬’ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા “પા પા પગલી” યોજના હેઠળ ‘બાળમેળો-૨૦૨૬’ અંતર્ગત કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધાએ જણાવ્યું હતું કે બાળકો એ રાષ્ટ્રનું ભાવિ છે અને તેમના યોગ્ય ઘડતરમાં આંગણવાડીની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “પા પા પગલી” પ્રોજેક્ટના માધ્યમથી નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે, જે તેમના જીવનને ઉજ્જવળ બનાવવામાં આશીર્વાદરૂપ નિવડશે. આ યોજના માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ ભૂલકાઓને જરૂરી આત્મીયતા પૂરી પાડી તેમના વ્યક્તિત્વના વિકાસ માટે એક સબળ માધ્યમ પૂરું પાડે છે.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવેલા વિવિધ શૈક્ષણિક અને પ્રવૃત્તિલક્ષી પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. આણંદ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા નવીનતમ મોડેલ્સ અને શૈક્ષણિક સાધનો અંગે તેમણે વિસ્તૃત જાણકારી મેળવી હતી. સુશ્રી દેવાહુતીએ આંગણવાડી કાર્યકરોની સર્જનાત્મકતાને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ બાળકોના પાયાના શિક્ષણને વધુ મજબૂત અને રસપ્રદ બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બાળમેળાના મુખ્ય આકર્ષણ તરીકે આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા ૧૫ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓ દ્વારા બાળકોએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું. પ્રસ્તુત થયેલી કૃતિઓમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી, જેમને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામીએ સૌ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા અને હેતુઓ સ્પષ્ટ કર્યા હતા.

કાર્યક્રમના અંતે ખંભાતના સીડીપીઓ જીજ્ઞાબેન બ્રહ્મભટ્ટે આભાર વિધિ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી વીણાબેન પઢીયાર, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment