કાલાવડ ભાજપનો આંતરિક વિખવાદ: શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરીયો ગઢ કાંગરે રઝળશે?

હિન્દ ન્યુઝ, કાલાવડ 

     ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. ખાસ કરીને પાટીદાર અને જૈન નેતાઓ વચ્ચેના મનભેદ પક્ષની ‘નાવડી’ ડુબાડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

      કાલાવડ ભાજપના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો અણબનાવ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ વિવાદને કારણે ભાજપમાં બે સ્પષ્ટ જૂથો (ટીમ) પડી ગઈ છે.

      આ બંને નેતાઓના ખેંચતાણને કારણે પાયાના પાટીદાર કાર્યકરો અને મતદારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. અત્યાર સુધી ભાજપની મજબૂત વોટબેંક ગણાતા પાટીદારો હવે અન્ય પક્ષો તરફ નજર દોડાવી રહ્યા છે. જો આ વિવાદ નહીં ઉકેલાય તો પાટીદાર મતોનું ધોવાણ ભાજપને ભારે પડી શકે છે.

      માત્ર પાટીદારો જ નહીં, પણ કાલાવડના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા ચાર મુખ્ય જૈન નેતાઓ પણ અંદરોઅંદર લડી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહીં પણ બે અલગ-અલગ જૂથો સક્રિય થયા છે. જૈન સમાજની એકતામાં પડેલા આ ગાબડાને કારણે પક્ષનું સંગઠન નબળું પડી રહ્યું છે.

        પક્ષના ટોચના નેતાઓ જ્યારે જૂથવાદમાં વ્યસ્ત હોય ત્યારે તેની અસર અન્ય જ્ઞાતિના મતદારો પર પણ પડી રહી છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે જો નેતાઓ જ એક નથી, તો વિકાસના કામો કોણ કરશે?

      જો અન્ય જ્ઞાતિના લોકો પણ આ મૂંઝવણને કારણે ભાજપથી દૂર જશે, તો આગામી નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

       કાલાવડ ભાજપમાં અત્યારે ‘ઘરના જ છોકરાં ઘર ફોડે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો પ્રદેશ નેતાગીરી સમયસર હસ્તક્ષેપ કરીને આ જૂથવાદને ડામવામાં નિષ્ફળ રહેશે, તો કાલાવડનો રાજકીય ગઢ સાચવવો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. વિપક્ષો આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા અત્યારથી જ સજ્જ થઈ રહ્યા છે.



Related posts

Leave a Comment