મોરબીમાં યોજાનાર રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીના ભાગરૂપે સંબંધિત વિભાગોના અધિકારીઓની બેઠક મળી

હિન્દ ન્યુઝ, મોરબી

આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શુક્રવારે કલેક્ટર કચેરીના સભા ખંડમાં યોજાયેલ બેઠકમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ દ્વારા લગત યોજનાઓના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જે.બી. પટેલે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બદલ અભિનંદન પાઠવી આગામી સમયમાં લાભાર્થીઓને તેમના લાભો હાથો-હાથ પહોંચાડવાની કામગીરી પણ સુપેરે નિભાવવા યોગ્ય આયોજન કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોરબી ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંતર્ગત બેઠકમાં ડાયસ પ્લાન, લાભાર્થીઓની યોગ્ય ડેટા એન્ટ્રી, કીટ વિતરણ વ્યવસ્થા, સ્ટેજ પરના લાભાર્થીઓ, ઇ-લોકાર્પણ, ઇ-ખાતમૂહુર્ત, સ્ટાફ ડ્યુટી, પાસની વ્યવસ્થા, પીવાનું પાણી, લાભાર્થીઓને લાવવા-લઇ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા સહિતની તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, મોરબી, વાકાંનેર અને હળવદ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓના વડા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment