હિન્દ ન્યુઝ, જામનગર
દર વર્ષે 18મી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરીટેજ ડે મનાવવામાં આવે છે.વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ હેરીટેજ ડે ઉજવણી અંતર્ગત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૧૮મી એપ્રિલ ૨૦૨૪ના રોજ “વર્લ્ડ હેરીટેજ ડે એક્શિબિશન”નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેનુ ઉદઘાટન નિવૃત ચિત્ર શિક્ષક અને જામનગરના સિનિયર આર્ટીસ્ટ જગદીષભાઇ જોષીના વરદહસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ એક્સિબિશનમાં વોટર કલર, એક્રેલિક, પેન્સીલ, કેનવાસ વર્ક સાથે હેરિટેજ થીમ ઉપર જામનગરનાં જાણીતાં અનુભૂતિ ગ્રુપનાં કુલ ૨૧ ચિત્રકારો દ્વારા અંદાજિત ૪૦ જેટલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ.જેમાં દેશ-વિદેશનાં હેરીટેઝ સ્થળો જેવા કે, ઇજિપ્તનાં પિરામીડ, તાજમહાલ, રાણીની વાવ, નવલખા મંદિર તેમજ જામનગરનાં સ્થાનિક ઐતિહાસિક સ્થળૉ જેવા કે, ભૂજીયો કોઠો ભીડભંજન મહાદેવ, સુખનાથ મહાદેવ, સૈફી ટાવર, પંચેશ્વર ટાવર, સોલેરીયમ, સજુબા કન્યા શાળા, રણજીતસાગર ડેમ, કાશી વિશ્વનાથ મહાદેવ, ખંભાળીયા ગેટ, ત્રણ દરવાજા, ધન્વંતરિ મંદિર ઉપરાંત જામનગરના અમૂલ્ય ધરોહર સમાન પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકનાં રાજ્ય રક્ષિત સ્મારક લાખોટા કોઠાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ અંગે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર ડૉ.ધીરજ ચૌધરીએ જણાવેલ વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે.જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ.આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. આ પ્રદર્શનમાં ૧૭ વર્ષ થી ૭૦ વર્ષ સુધીનાં કલાકારોએ ભાગ લીધેલ. તેમજ બહોળી સંખ્યામાં જામનગરની કલારસિક જનતાએ ચિત્ર-પ્રદર્શનીનો લાભ લીધેલ હતો.