અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

         અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે. આર.સી.મકવાણા એ જણાવ્યું હતું કે, આ સુશાસન સપ્તાહના કાર્યક્રમો એ માત્ર કંઈ ઉજવણી નથી. પણ જનભાગીદારી થકી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવાનો પ્રયાસ છે. તેમણે આ અવસરે ઉપસ્થિત જનસમૂહને શાસનમાં સક્રિય જનભાગીદારી માટેનું આહવાન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષીને સુશાસન સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન 25 થી 31 ડિસેમ્બર દરમિયાન લોક કલ્યાણની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના લાભ અને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આર.સી.મકવાણાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. તેમણે યોજનાના લાભ લોકો સુધી પહોંચે તે માટે પાલન કરાતી પ્રક્રિયા અને ત્યારબાદ તેનું ફોલો-અપ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો પણ આપી હતી. આ અવસરે મકવાણાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મતક્ષેત્ર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને તાજેતરમાં બાવળામાં 486 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભ આપવામાં આવ્યા તે બાબતની સાક્ષી પૂરે છે. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીએ પ્રજાજનોને આત્મનિર્ભર ભારત માટે સંકલ્પબદ્ધ થવાનો કોલ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે, આપણે આત્મનિર્ભર ગુજરાત થકી જ આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી શકીશું. મંત્રીના હસ્તે પાંચ સમરસ થયેલ ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર અને પ્રતિક સ્વરૂપે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર લાભાર્થીઓને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી તેમ જ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત પાંચ સ્વ સહાય જૂથોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઇ પટેલ,ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગ ઉપાધ્યક્ષ વિમલ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામી , ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન વિનોદભાઈ પટેલ તેમજ પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment