ગીર સોમનાથ જિલ્લામાં ૧.૬૮ કરોડના આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહના અંતિમ દિવસે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડની પ્રેરક ઉપસ્થતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળના રૂ. ૧.૬૮ કરોડના ૧૮૦ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે લાભાર્થીઓને નવા આવાસની ચાવી અને આવાસ યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી.

ઉપરાંત તાજેતરમાં જ સમરસ બનેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીના સન્માન સાથે આ ગામોના વિકાસ માટે પ્રોત્સાહક રાશીના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. 

સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયજિત આ સમારોહમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વ. મુખ્યમંત્રી  કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં સુશાસનનો ઉદય થયો. જેને પ્રવર્તમાન સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વધુ વેગવંતુ બનાવી રહી છે. સમાજના છેવાડાના લોકો સુધી સુવિધાઓ અને યોજનાઓનો લાભ આયોજનબદ્ધ રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આમ, ગુજરાત સમગ્ર દેશમાં એક વિકાસના મોડેલ સ્ટેટ તરીકે સ્થાપિત થયું છે.

આ પ્રસંગે રાજ્ય સરકારની સક્રિય અને કલ્યાણકારી નીતિનો ઉલ્લેખ કરતાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, આધુનિક સુશાસનની સંકલ્પના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સાશનકાળમાં ચરિતાર્થ થઈ હતી. ખેડૂત અને જનતા લક્ષી સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓ દ્વારા ગુજરાતના છેવાડાના દરિયા કિનારાના ખારા પટ્ટ વિસ્તારના ખેડૂતો અને સામાન્ય લોકો માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી શક્ય બન્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જિલ્લામાં મહિલા સમરસ પંચાયતોનું શાસન જોઈને હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સમાજમાં સ્ત્રીઓને યોગ્ય પ્રતિનિધિત્વ  નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા શક્ય બન્યું છે.

        આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ પ્રાસંગોચિત ઉદબોધન કર્યું હતું. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણ ભાઈ સોલંકી, અગ્રણી વિક્રમભાઈ પટાટ, બચુભાઇ વાજા, સહિતના અગ્રણીઓ તેમજ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ચેરમેન  એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવીબેન બારીયા, સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment