રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરની કચેરી ભુજ, કચ્છ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદારશ્રીઓના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનના પ્રયાસોને ઉપાધ્યક્ષએ બિરદાવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલે સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક, કોન્ટ્રાક્ટ દ્વારા નિયમ પાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ ‘એક્શન ટેકન રિપોર્ટ’ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમોનુસાર જિલ્લા તેમજ તાલુકાકક્ષાએ તમામ બેઠકો યોજાઈ તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

કચ્છના નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિનોદ રોહિત, નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. કિશ્ચિયન, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અખિલ કચ્છ વાલ્મિકી સમાજ તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલા, કચ્છની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment