મુખ્યમંત્રી એ સાયન્સ સિટીની પ્રખ્યાત ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારાં 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહજ અને વાત્સલ્યસભર સંવાદ સાધ્યો હતો. વાણી મળ્યા પછી મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળતાં માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું.

મુખ્યમંત્રી સાથેના સંવાદ દરમિયાન બાળકોના વાલીઓએ મોંઘા ઇમ્પ્લાન્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર તથા આ યોજનાના સુઆયોજિત અમલીકરણ બદલ RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ અને સરકારના આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ સહિતની હોસ્પિટલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ હજુ પણ સમાજમાં આવાં જરૂરિયાત ધરાવતાં બાળકો હોય તો તમામ વાલીઓ અને ઉપસ્થિતોને આવાં બાળકો અને પરિવારોને આ યોજનાનો લાભ અપાવવા માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ અવસરે બાળકો સાથે સાયન્સ સિટીની પ્રખ્યાત ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ રંગબેરંગી માછલીઓ અને જળચર સૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થતાં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમની સાથે બાળસહજ વાતો કરીને વાત્સલ્યભાવ પ્રગટ કર્યો હતો.

Related posts

Leave a Comment