આંગણવાડિ કેન્‍દ્રોના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, નડિયાદ

    સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડીએસ) દ્વારા પુરક પોષણ, રસીકરણ સંદર્ભ, સેવા આરોગ્‍ય તપાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્‍ય શિક્ષણ જેવી મહત્‍વની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આંગણવાડિના માધ્યમથી સ્‍કીમ ફોર અડોલેશન ગર્લ્‍સ(એસએજી), પૂર્ણા યોજના વિગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે.
ખેડા જિલ્‍લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડિએસ)માં કુલ ૧૫ ઘટકમાં કુલ ૭૯ સેજા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ સેજાઓમાં કુલ-૧૯૭૯ આંગણવાડિ કેન્‍દ્રો હાલમાં કાર્યરત છે.
મુખ્‍યમંત્રીના અધ્યક્ષસ્‍થાને આજ રોજ સવારે ૧૦/૩૦ કલાકે આંગણવાડિના ૩-૬ વર્ષના બાળકોને રાજય કક્ષાનો ગણવેશ વિતરણનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો. જેમા મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે આંગણવાડિ કેન્દ્રોના ૩-૬ વર્ષના બાળકોને ગણવેશ આપવામાં આવ્‍યો હતો. નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના વરદ હસ્‍તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. 

જિલ્‍લા કક્ષાના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લાના ૩ થી ૬ વર્ષના બાળકોને ખેડા જિલ્લાની તમામ આંગણવાડિના બાળકો માટે કુલ ૫૬,૯૪૮ થી વધુ ગણવેશ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ખેડા જિલ્‍લામાં આવેલ કુલ ૧૯૭૯ આંગણવાડિ કેન્‍દ્રોમાં માહે મે-૨૦૨૧માં ૦ થી ૬ વર્ષના કુલ ૧,૮૦,૪૫૩ બાળકો નોંધાયેલા છે. સગર્ભા માતાઓ કુલ ૧૬,૧૮૧ અને ધાત્રી માતાઓ કુલ ૧૪,૨૧૧ નોંધાયેલ છે. તેમજ કિશોરીઓ ૪૯,૯૮૧ નોંધાયેલ છે.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, ખેડા જિલ્‍લા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ ના ચેરમેન શ્રીમતી જશોદાબેન વાઘેલા, આઇસીડિએસના અધિકારી શ્રીમતી આશાબેન બ્રહ્મભટ્ટ સહિત આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્‍યામાં લાભાર્થી બાળકો તેમની માતાઓ સાથે ઉપસ્‍થિત રહયા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment