મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, મંત્રીએ ફુલરામા અને મેખડી ગામ નજીક ચાલતા કામોનું અવલોકન કર્યા બાદ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટેની યોજના સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી, સાથે જ ફેઝ – ૨ના કામગીરીના આયોજનની પણ સમીક્ષા કરી હતી.

આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીએ વિકાસના કામની ગુણવત્તા સાથે કોઈપણ બાંધ છોડ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા, તેમણે સંલગ્ન અધિકારીશ્રીઓને સ્થળ વિઝીટ કરવા માટેની સૂચના આપતા જણાવ્યું હતું કે, સ્થળ ઉપર નિરીક્ષણ કરવાથી જ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થતું હોય છે. આ ઉપરાંત અધિકારીઓને જિલ્લામાં થઈ રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવા અને સ્થળ નિરીક્ષણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની પણ તકેદારી લેવા માટે સૂચના આપી હતી.

મહત્વનું છે કે, ઘેડ વિસ્તારમાં વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે નદીઓના વહેણને ઊંડા ઉતારવા અને પહોળા કરવા, નદી આસપાસના જાડી જાખરાઓ દૂર કરવા, નદીઓના કાંઠાને મજબૂત કરવા પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી તબક્કા વાર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ સિંચાઈ ઉપરાંત પંચાયત વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પણ થતા વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ તે માટે પણ ખાસ તકેદારી લેવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીએ નેશનલ હાઈવે અંતર્ગત જુદા જુદા રોડ – પરિવહન સંલગ્ન પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી.

આ બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કેન્દ્રીય મંત્રીને સ્વાગત કરી આવકાર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, કેશોદ પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, જિલ્લા ગ્રામ વિકાસની એજન્સીના નિયામક પી.એ. જાડેજા, સિંચાઈ વિભાગના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના અધિકારીઓ સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment