ભાવનગર જિલ્લામાં યુદ્ધના ધોરણે રાહત અને પુનઃ સ્થાપનની કામગીરી જિલ્લામાં ૦૮ મૃતકના વારસદારોને રૂ.૩૨ લાખની સહાય: ૩૦૫૧ વ્યક્તિઓને ૧૮.૩૫ લાખ કેશ ડોલ્સની ચૂકવણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

     ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા, તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે. કલેકટરએ જણાવ્યું છે કે, વાવાઝોડા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા રોડ, રસ્તા, પાણી પુરવઠાની જાળવણી અને વીજ પુરવઠો ઝડપભેર પુનઃ કાર્યરત કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેને પરિણામે જિલ્લામાં જનજીવનને ઝડપથી પૂર્વવત કરવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસનની લોકોને મદદરૂપ થવાની સંવેદશીલતાને કારણે સત્વરે માનવ – પશુ મૃત્યુ, ઇજા, ઘરવખરી, મકાન, કેશ ડોલ્સ સહાય માટે ૭૬૦ જેટલી સર્વે ટીમોની રચના કરી તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોના નુકશાની સર્વે માટે ૨૬૦ ટીમો, માછીમારો માટે ૧૧ અને ગ્રામ્ય કારીગરોને થયેલ નુકસાનીના સર્વે માટે ૧૧ ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન, દિવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોના વારસદારોને રૂપિયા ૪ લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે. જ્યારે ૩૦૫૧ લોકોને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં વાવાઝોડા દરમ્યાન મહત્તમ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.

     એટલું જ નહીં તમામ ૨૦ ઓક્સિજન પ્લાન્ટમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી જિલ્લાના ૫૯૯ રસ્તા-માર્ગો બંધ થયા હતા. જે તમામ માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં ૧૪૦૫૨ ઝૂંપડા, કાચા મકાનોને નુકશાન થયું છે. જ્યારે ૩૯ સરકારી મકાનોને નુકશાન થયું છે. જિલ્લામાં વાવાઝોડાના કારણે ૨૦,૬૩૧ વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લાના મુખ્ય માર્ગો પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૮૩૨૧ વીજ થાંભલાઓને નુકશાન થયું છે. ભાવનગર જિલ્લામાં ૯ માનવ મૃત્યુ, ૮ માનવ ઇજા, ૩૩૫ પશુ મૃત્યુ તેમજ ૫૦,૫૬૭ મરઘાં મૃત્યુ નોંધાયા છે.
    ભાવનગર જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના અધિકારો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનના સર્વે માટે ૨૬૦ ટીમો કામગીરી કરી રહી છે.

કેન્દ્રીય શીપીંગ રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા બે દિવસની ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પધાર્યા હતાં. તેઓની આ બે દિવસીય મુલાકાતમાં તેઓ તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત સરતાનપર બંદર સહિત અસરગ્રસ્ત લોકોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમની આ મુલાકાતમાં તેઓ કોરોનાથી અસરગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. તેમજ ભાવનગરમાં ચાલતાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને કોરોનાની પરિસ્થિતિનું આકલન પણ કર્યું હતું.
      કેન્દ્રીય મંત્રીએ આજે બપોર બાદ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટ પાસેથી કોરોના અને મ્યુકરમાઇસીસની વિગતો જાણીને મ્યુકોરમાઇસીસની સારવાર માટે સંશાધનો અને સાધનો વિશેની જાણીને તુરંત જ પોતાની ગ્રાન્ટમાંથી રૂા. ૭૫ લાખ આપવાની મીટીંગમાં જ જાહેરાત કરી પોતાના વતન માટેની લાગણીનો તેમણે પડઘો પાડ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ સર ટી. હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલ કોવિડ કોલ સેન્ટરની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવા, વિડીયો કોલ સહિતની વિગતો જાણી હતી. મંત્રીએ ત્યારબાદ સર ટી. હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો પાસેથી કોરોના તથા મ્યુકોરમાઇસીસની સારવાર, સંશોધન અને ત્રીજો વેવ આવે તો તે માટેની તૈયારીઓ વિશે ઝીણામાં ઝીણી વિગતો વિશે લંબાણપૂર્વક ચર્ચા- વિચારણાં કરી હતી.
તેમણે કહ્યું કે, ભારત દેશમાં વસતિનું વૈવિધ્ય, ગેરમાન્યતાઓ, અંધશ્રધ્ધાઓ અને અનેક પ્રકારના વિચારોની વચ્ચે આપણે કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવામાં સફળ થયાં છીએ. મ્યુકોરમાઇસીસના ૧૦ વર્ષમાં આવતાં કેસ માત્ર ૧૦ દિવસમાં નોંધાયા છે. ત્યારે આ માટે અગાઉથી અગમચેતીના પગલાં લઇ શકાય તે માટે આજે સર ટી. હોસ્પિટલમાં તેનું વિગતવાર પ્રેઝન્ટેશન જોઇ તેની સારવાર માટે શું થઇ શકે તે માટેના પગલાઓની તજજ્ઞો સાથે વિશદ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્યની અસર દેશના અર્થતંત્ર પર પણ પડતી હોય છે. તેથી દેશના નાગરિકોના નિરામય માટે રેમડેસીવીર અને એમ્ફોટેરીસીન-બી ની રસીનો પૂરતો જથ્થો હવે દેશમાં જ ઉત્પાદિત થઇ રહ્યો છે અને આવતાં ડિસેમ્બર સુધીમાં આપણે જગતમાં સૌથી વધુ રસી ઉત્પાદન કરતાં દેશ તરીકેનું નામ દર્જ કરાવી શકીશું તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એમ્ફોટેરીસીન-બી ની રસીની અછત ન થાય તે માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલાં પ્રયત્નોની ભૂમિકા પણ તેમણે આપી હતી. કોરોના કાળમાં ડોક્ટરો, સેવાભાવી સંસ્થાઓએ જે પ્રયત્નો કર્યા છે તેને તેમણે બિરદાવી ભાજપ દ્વારા ઉભા કરાયેલ “વિસામો” ની સેવા દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને રોકાવા સાથે જમવાની સગવડો વિશેની જાત માહિતી તેમણે રૂબરૂ મુલાકાત દ્વારા મેળવી હતી. શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ કેન્દ્રીય મંત્રીને સર ટી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધઓ વિશે અવગત કરાવી કોરોના કાળમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરવાં માટે ડોક્ટર્સ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યાં હતાં. તેમણે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કારણે જ આપણે કોરોના પર ઘણે અંશે નિયંત્રણ મેળવવાં માટે સફળ થયાં છીએ. તેમણે કેન્દ્રીય મંત્રીને મ્યુકોરમાઇસીસ માટે રૂા. ૭૫ લાખનું અનુદાન ફાળવવા માટે અભિનંદન આપ્યાં હતાં.

કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા, સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જયેશ ઉપાધ્યાય, ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment