સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ – ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ

હિન્દ ન્યૂઝ, નર્મદા 

        કઠપુતળીનાં ખેલથી બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે અને ભારતની પ્રાચીન કળાની ઓળખ પણ થશે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર – પ્રસાર પણ થશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ચૂકયું છે, પ્રતિમાને વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન પણ મળ્યું છે. કેવડિયા પ્રવાસનધામની સાથે સાથે વિવિધતામાં એકતાનો સંદેશ પણ સમગ્ર વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે દરેક વયજૂથના પ્રવાસીઓ માટે આકર્ષણ ઉપલબ્ધ છે.

          પ્રધાનમંત્રીએ કુપોષણ મુક્ત ભારતનાં દ્રઢ નિર્ધાર સાથે “સહી પોષણ – દેશ રોશન”નું સૂત્ર આપ્યું છે અને આ સૂત્રને ચરિતાર્થ કરતા કેવડીયા ખાતે વિશ્વના પ્રથમ ટેક્નોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું નિર્માણ કરાયું છે ત્યાં આજની પેઢીને પોષણક્ષમ આહારનું જ્ઞાન રમત સાથે જોડીને આપવામાં આવે છે. તા. ૧/૦૪/૨૦૨૧થી હવે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કઠપૂતળીનાં ખેલ પણ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બાળકોનાં સુપોષણને લગતી તમામ માહિતીઓ દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે. જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં “સહી પોષણ – દેશ રોશન”નાં સુત્રને સાર્થક કરશે તે નિશ્ચિત છે સાથે સાથે બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે અને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન કળાની ઓળખ પણ થશે.

     ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે કઠપૂતળીનાં ખેલ રોજ સાંજે ૬.૩૦ થી ૦૭.૦૦ સુધી પ્રદર્શિત કરવામાં આવશે, કઠપૂતળીનાં ખેલને પ્રસ્તુત કરવા માટે અહીંના સ્થાનિક ૧૫ જેટલા યુવા-યુવતીઓને કઠપુતળી બનાવવાથી લઈને તેને દર્શકો સામે પ્રસ્તુત કરવા સુધીની વિધિસરની તાલીમ આપવામાં આવી રહી છે, આ પ્રવૃત્તિ થી તેઓને રોજગાર પણ મળી રહેશે. આ માટે રાજસ્થાનનાં વિખ્યાત ચિતાંશ ગૃપની સેવાઓ લેવામાં આવી રહી છે, આ ગૃપ કઠપુતળીની કળામાં પારંગત છે અને પેઢીઓથી આ કળાની પ્રસ્તુતી કરવામાં માહેર છે અને પોતાની કળાથી સામાજીક જાગૃતી ફેલાવવાની સેવાને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ વખાણી અભિનંદન પાઠવ્યા હતા.

        કઠપુતળીનાં ખેલ નિહાળવા માટે કોઇ અલગથી ટિકીટ લેવાની જરૂર નથી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની ટિકિટમાં જ તેનો સમાવેશ થયેલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત પ્રવાસીય આકર્ષણોની ટીકિટ www.soutickets.in પરથી બૂક થઇ શકશે. કોઇ પણ પ્રકારની માહીતી મેળવવા તેમજ ફરીયાદ માટે અમારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક કરી શકશો (મંગળવાર થી રવિવાર સવારે ૦૮.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી) તેમ અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી જણાવાયું છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા

Related posts

Leave a Comment