રાજકોટમાં કોરોના વેક્સીન આપવાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તારીખ.૧૬-૦૧-૨૦૨૧ કોરોના સામેના છેલ્લા દસ માસના જબરદસ્ત જંગમાં આજનો દિવસ ઐતિહાસિક દિન બની રહેશે. સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યારે આજે તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ ૧૦:૩૦ વાગ્યે દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સીન લોન્ચ કર્યા બાદ રાજકોટ શહેરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીનેસન બુથ અને અન્ય ૫ (પાંચ) બુથ પર રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના માનનીય કૃષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહાનગરપાલિકાણી આરોગ્ય સમિતિના ભૂતપૂર્વ ચેરમેન જયમીનભાઈ ઠાકર, તેમજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના આર.ડી.ડી. રૂપાલી મેહતા, માનનીય મંત્રી આર.સી.ફળદુ, ઉપરાંત પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, કલેકટર રેમ્યા મોહન, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.ડી.ઓ. અનીલ રાણાવસિયા, એડિશનલ કલેકટર પરિમલ પંડ્યા, એસ.પી. બલરામ મીણા, ડીન ડૉ. એમ.જે.સામાણી તેમજ ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહયા હતાં.

     આ શુભ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીએ દેશને સંબોધતા જણાવ્યું હતું કે આ કોરોના વાઇરસની મહામારી સામે આપણો દેશ સમગ્ર દુનિયામાં પ્રથમ દેશ બન્યો કે જેને એક નહી પણ બે-બે કોરોના વેક્સીન બનાવી છે. કોઈપણ રોગની વેક્સીન બનાવવા માટે ઘણો લાંબો સમય લાગી જતો હોય છે જયારે ભારતે આ સિધ્ધી ખુબજ ટૂંકા સમયમાં પાર કરી બતાવી છે. કોરોના વાઇરસે પોતાનાને પોતાનાથી અલગ કર્યા હતાં ત્યારે હવે કોરોના વેક્સિન આવી જતા આ લડાઈમાં આજથી એક નવો અધ્યાય શરૂ થઇ રહયો છે. જેને સૌથી વધુ જરૂર છે એવા કોરોના વોરિયર્સ એવા મેડિકલ ક્ષેત્રના લોકોને સર્વપ્રથમ વેક્સિન આપવાનો આજથી પ્રારંભ થઇ રહયો છે. ત્યારબાદ બીજા તબક્કામાં ૫૦ વર્ષથી મોટા વયસ્ક લોકોને તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. વેક્સિનના બે ડોઝ અલગઅલગ તબક્કે આપવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રીએ કોરોના સામેની અભૂતપૂર્વ લડાઈમાં પોતાના જીવના જોખમે યોગદાન આપનાર સૌ ભાઈબહેનોની સેવા બિરદાવી હતી.

દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રાજ્યના માનનીય કૃષિ મંત્રી આર. સી. ફળદુએ પોતાના પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, આજનો દિવસ કોરોના સામેના જંગનો સૌથી ઐતિહાસિક દિવસ છે. દેશમાં મેડિકલ સાયન્સ ક્ષેત્રના નિષ્ણાંતોએ કોરોના સામે રક્ષા કવચ આપી શકે એવી રસી ડેવલપ કરવા અથાક મહેનત કરી છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રસી લોન્ચ કરી છે. જેનાથી લોકોને હાશકારો અનુભવાયો છે કે હાશ હવે કોરોના સામે પોતાનું જીવન સુરક્ષિત બની શકે છે. આ રસી માટે સંશોધન કરનારા મેડિકલ સાયન્સના નિષ્ણાત તબીબો વૈજ્ઞાનિકો વગેરેએ દિવસ રાત જોયા વગર જે મહેનત કરી છે. તેનું આજે દેશને ફળ મળી રહયું છે. કરોડો લોકોના જીવ બચાવવા પોતાના જીવના જોખમે હોસ્પિટલોમાં સેવા આપનારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આજથી રસી આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

      મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત પણ કોરોના મહામારીના સંક્રમણમાં વિશ્વથી બાકાત ન્હોતું. ભારતમાં પણ કોરોના સામે લોકોના જીવ બચાવવા તબક્કાવાર લોકડાઉન મુકવામાં આવ્યા હતાં. ભારતે સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રસીકરણના બંને તબક્કાને અત્યંત ગંભીરતાથી લઈને લોકોને સુરક્ષા પ્રદાન કરવા મહેનત કરીશું. બીજો તબક્કો જૈફ વયના લોકો અને ત્રીજો તબક્કો જનરલ રહેશે જેમાં ક્રમશ: તમામ લોકોને આવરી લેવામાં આવશે.

આ તકે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં માનનીય મંત્રી આર.સી.ફળદુ, ઉપરાંત પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, કલેકટર રેમ્યા મોહન, ડી.ડી.ઓ. અનીલ રાણાવસિયા, એડિશનલ કલેકટર પરિમલ પંડ્યા, એસ.પી. બલરામ મીણા, ડીન ડૉ. એમ.જે.સામાણી તેમજ ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સને આવકાર્યા હતાં.

રાજકોટ શહેરના જે ૬ (છ) સ્થળોને કોરોના વેક્સીન આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે તેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના માનનીય મંત્રી આર.સી.ફળદુ, (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, (૩) સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, (૪) વોકહાર્ડ હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા અને ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન માનનીય ધનસુખભાઈ ભંડેરી અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ (૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી માનનીય જ્યોતિન્દ્રભાઈ મહેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેક્શીનેસનની કાર્યવાહી કરવામાં આવી હતી.

     વેક્સીન બુથ પર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર રહેશે જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. વિગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત રહેશે.

શહેરના વેક્સીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેક્સીન લેવા આવનાર વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.

ઓબ્ઝર્વેશન રૂમ-૩

  • વેક્સીન આપ્યા બાદ ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે
  • SMS નું પાલન
  • (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)

વેક્સીનેશન રૂમ-૨

  • વેક્સીન આપવી
  • ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી

વેઇટિંગ રૂમ-૧

  • ડોક્યુમેન્ટ ચકાસણી
  • SMS નું પાલન
  • (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)

Related posts

Leave a Comment