ડીસામાં અઢી કરોડના ખર્ચે બનેલું નાનાજી દેશમુખ ગાર્ડન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં, બગીચો શરૂ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી રજૂઆત

હિન્દ ન્યૂઝ, ડીસા

                                           ડીસા ના શહેરી જનો માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી દ્વારા અઢી કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગાર્ડન ની જગ્યા ને લઇ આ ગાર્ડન વિવાદમાં આવ્યું હતું. જેના લીધે શહેરીજનો માટે બનાવેલા ગાર્ડન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં છે અને આ ગાર્ડન માં વૃક્ષો પણ કરમાઈ ગયા છે ત્યારે શહેરીજનો માટે તાત્કાલિક ગાર્ડન શરૂ થાય તેવા પ્રયાસો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેથી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાત્કાલિક ગાર્ડન શરૂ કરવા માટે ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આ ગાર્ડન પાંચ દિવસમાં શરૂ નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા બગીચા આગળ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં નગરપાલીકા દ્વારા શહેરના હવાઈ પીલર પાસે અઢી કરોડથી વધુના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ગાર્ડન બન્યું ત્યારથી શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે અને છેલ્લા એક વર્ષથી આ ગાર્ડન ને ખંભાતી તાળું લાગી ગયું છે. આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે તે જગ્યાના વિવાદને લઈ કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી. જેના લીધે કોન્ટ્રાક્ટરે ખંભાતી તાળું મારી દીધું છે. એક વર્ષ થી વધુ સમયથી આ ગાર્ડન બંધ હોવાના લીધે બાળકો માટેના અંદર સાધનો પણ તૂટી ગયા છે. તો બીજી તરફ વૃક્ષો પણ કરમાઈ ગયા છે ત્યારે એક વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં આ ગાર્ડનને શરૂ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ બીડું ઝડપ્યું છે, પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આ ગાર્ડન શરૂ થયું નથી ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને પાંચ દિવસમાં આ ગાર્ડન શરૂ કરવા માટે મૌખિક રજૂઆત કરી છે અને જો તંત્ર દ્વારા શહેરીજનો માટે આ ગાર્ડન શરૂ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો ગાર્ડનની બહાર ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment