હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ સાથે તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા સ્ટીયરીંગ કમિટીની બેઠક, નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની બેઠક, સિકલસેલ, થેલેસેમિયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સંકલન સમિતિની બેઠક સહિત કુલ ૮ બેઠકો પણ મળી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય અને સુચારૂ કામગીરી અંગે અમલીકરણ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાને પાણી જન્ય રોચગાળા, વાહકજન્ય રોગચાળા અને લેપ્ટોસ્પાયરોસીસ રોગચાળા અંગે ચર્ચા કરી થયેલી કામગીરીની સમીક્ષા કરી વધુ અસરકારક કામગીરી માટે દિશાનિર્દેશ આપ્યા હતા. તમાકુ નિયંત્રણ કમિટીની બેઠકમાં ધુમ્રપાન નિષેધ નિયમભંગ માટે કાર્યવાહીની ચર્ચા અને માસિક રિપોર્ટની ચર્ચા વેળા કલેકટરશ્રી નીતિન સાંગવાને શૈક્ષણિક સંકુલોની આસપાસ તમાકુનું વેચાણ ન થાય તે માટે કડક રીતે દંડનીય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જે અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલે અસરકારક કામગીરી અંગે ખાતરી આપી હતી.આ સિવાય નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની માહિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટીબી ફોરમ અંગેની બેઠકમાં સર્વેલન્સ અંગે તેમજ ટીબીના દર્દઓને કીટ કેવી રીતે પહોંચતી કરવામાં આવે છે તે અંગે સમીક્ષા કરાઈ હતી. જે અંગે ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી.સિંઘે કલેકટરને પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીને વખતોવખત પાણીના સેમ્પલ લેવા માટે કલેકટરએ તાકીદ કરી હતી. આ સિવાય ડોગ બાઈટ અને સ્નેક બાઈકના કેસ અને તેમાં મરણ અંગેના કેસની પણ કલેકટરશ્રી માહિતી મેળવી હતી.
જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર પીએચસી, સીએચસી, સબ સેન્ટરો અને અર્બન હેલ્થ સેન્ટરોના એનક્યુએએસ પ્રમાણપત્ર અંગે ઈન્ચાર્જ ક્યુએમઓ અને જિલ્લા મલેરીયા અધિકારી ડો. વિરેન પટેલે કલેકટરને માહિતી પુરી પાડી હતી. આ સિવાય સરકારી દવાખાના માટે જરૂરી જગ્યા ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. જિલ્લામાં ૧૫માં નાણાં પંચ અંતર્ગત ગ્રાંટની ફાળવણી અને પલ્સ પોલિયો અભિયાન અંગે ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે.સિંઘે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રોબેશન આઈએએસ પિયુષ ઘટાલા, સિવિલ સર્જન ડો. ભાવેશ ગોયાણી, જિલ્લા રક્તપિત કચેરીના મેડિકલ ઓફિસર સંજયકુમાર અને તમામ તાલુકાના હેલ્થ ઓફિસરો તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
