હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં બાળકોના સુરક્ષિત ભવિષ્ય, અધિકારો અને રક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ટીમ દ્વારા વિવિધ શાળાઓ અને સમુદાય વિસ્તારોમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમો અંતર્ગત બાળકો તથા વાલીઓને બાળ સુરક્ષા, બાળકોના અધિકારો તેમજ મુશ્કેલીના સમયમાં ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
🔹ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮: ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે ૨૪x૭ કલાક કાર્યરત આ એક નિઃશુલ્ક (ટોલ ફ્રી) સેવા છે, જે મુશ્કેલીમાં મુકાયેલા કે જોખમમાં રહેલા બાળકોને તાત્કાલિક મદદ અને સુરક્ષા પૂરી પાડે છે.
🔹મહત્વના વિષયો પર માર્ગદર્શન: બાળ મજૂરી, બાળ ભિક્ષાવૃત્તિ, બાળ લગ્ન અટકાવવા, અને બાળકો સાથે થતા શારીરિક તથા માનસિક દુર્વ્યવહાર અને શોષણ જેવા ગંભીર મુદ્દાઓ અંગે વાલીઓ અને બાળકોને જાગૃત કરાયા.
🔹કાયદાકીય સમજ: બાળકોને ગુડ ટચ – બેડ ટચ અંગે જાગૃતિ, પોક્સો અધિનિયમ–૨૦૧૨ અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી.
🔹સરકારી યોજનાઓની માહિતી: બાળકોના કલ્યાણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી પાલક માતા-પિતા યોજના અને સ્પોન્સરશિપ યોજના જેવી વિવિધ બાળ સંરક્ષણ સેવાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.
🤝 “સુરક્ષિત બાળપણ – ઉજ્જવળ ભવિષ્ય”
જો કોઈ બાળક ગુમ થયેલ હોય, નિરાધાર હોય અથવા કોઈપણ મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક ૧૦૯૮ પર સંપર્ક કરવા અનુરોધ છે. ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ બાળકોના હિત અને સુરક્ષા માટે સતત કાર્યરત છે.
