હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 29 જૂન, 2026ના રોજ બપોરે 2:22 કલાકે જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ આગામી 30 જૂન, બપોરે 2:22 કલાક સુધી દક્ષિણ ગુજરાતના દાદરા અને નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનો અને વૃક્ષોની નીચે આશરો ન લેવા તેમજ નદી, તળાવ અને ધોધ જેવા જળાશયોથી સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવે છે. ખેડૂતોને પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા તથા સત્તાવાર હવામાન આગાહીઓ પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે.
