ગાંધીનગર ખાતે ખેડૂતોએ પાક વિમા માટે કર્યું આંદોલન

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે તારીખ ૩-૧-૨૦૨૦ના રોજ સમગ્ર ગુજરાતના ખેડુતો પાકવિમાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે, આજે સ્વયંભુ રીતે એકઠા થયેલ ખેડુતો વિમાકંપની સામે મોરચો માંડીને પાકવિમા માટે મકકમતાથી બેસી ગયા છે. પાકવિમા માટે ગુજરાત ભરમાંથી જે. કે. પટેલ, રમણીક જાની, દશરથસિંહ ગોહિલ, શૈલેષભાઈ ઠકકર, કુલદીપભાઈ સગર, કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, રમેશભાઈ ઉભડીયા, ભાવેશભાઈ કોરાટ, રતનસિંહ ડોડીયા મહેશ જોષી વગેરે સહિત બહોળી સંખ્યામાં ખેડુતો પાકવિમાની માગણી સાથે ધરણા પર બેઠા છે. દરેક ખેડુતની એક જ માગણી છે કે પાકવિમો અમારો હક છે અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને તીડના પ્રકોપથી ખેડુતોના પાક સંપુર્ણ નિષ્ફળ ગયા છે, તેમજ સરકારી આંકડા મુજબ ૧૪૪% કરતા વધુ વરસાદ પડયો અને સરકારશ્રી તરફથી સહાય પણ જાહેર થઈ છતાં પાકવિમાના કોઈ ઠેકાણા નથી ત્યારે અમે પ્રિમિયમ ભર્યા છે એટલે અમે અમારા હકનો પાકવિમો મેળવીને જ જંપીશુ. આજે સત્યાગ્રહ છાવણીમાં કોઈ આગેવાન નહિ, કોઈ બેનર નહિ પણ સ્વયંભુ ખેડુતોએ પાકવિમા કંપની સામે ઐતિહાસિક આંદોલનના મંડાણ કર્યા. ના કોઈ શોર, ના સુત્રોચ્ચાર સંપુર્ણ ગાંધી ચીંધ્યા માર્ગે જગતનો તાત પાકવિમા માટે ગાંધીનગર ધરણા પર બેસવા મજબુર બન્યો છે.
ખેડુતો પોતાની માંગ પર અડગ છે, વિમાકંપનીઓ કરોડોનુ પ્રિમિયમ ઉઘરાવે છે, પણ ખેડુતોને ચુકવવાનો વારો આવે ત્યારે ઠાગાઠૈયા કરે છે તેમજ અરજીઓ, સર્વે વગેરે ડિંડક કરે છે જેનો ભારોભાર રોષ ખેડુતોમાં ફેલાઈ રહ્યો છે. આજે ખેડુત સ્વયંભુ પોતે જ પોતાનો ઉદ્ધારક બનવા, પોતાના પાકવિમા માટે વિમાકંપની સામે મોરચો માંડીને બેઠો છે.

Related posts

Leave a Comment