હિન્દ ન્યુઝ, અમદાવાદ
ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીજીના સેવા અને વિશ્વ કલ્યાણના ભાવથી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં આજે રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ, યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર), ઉચ્ચ શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર) અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં ભારતના ૧૦ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના યુવક-યુવતિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાપીઠની મહત્વાકાંક્ષી ‘કુશલ યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના 40 લાખ એન.એસ.એસ. સ્વયંસેવકોને પ્રેરણા આપતાં કહ્યું કે, તમે ભીડનો ભાગ બનવા નથી આવ્યા, તમારે પરિવર્તનના પ્રતીક બનવાનું છે. તેમણે યુવાનોને એક-એક સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ યુવાન વૃક્ષારોપણ, કોઈ જળ સંરક્ષણ, કોઈ નશામુક્તિ, તો કોઈ પશુ નસ્લ સુધારણાનું કાર્ય પસંદ કરે. તમે એક ગરીબ દીકરા-દીકરીને ભણાવીને સક્ષમ બનાવશો તો એક આખા પરિવારને સશક્ત કરશો. તેમણે ‘વસુધૈવ કુટુંબકમ્’ના અભિગમને અપનાવવા અને પ્રાણીમાત્રની સેવાને જીવનનું લક્ષ્ય બનાવવા પર ભાર મૂક્યો હતો.
એન.એસ.એસ.ના શિબિરાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, પહેલગામના આતંકવાદી હુમલા બાદ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું, તે આપણા પ્રધાનમંત્રીની દ્રઢ સંકલ્પશક્તિ અને દેશની અતૂટ એકતાનું જ પરિણામ છે. આ ઘટનાએ સાબિત કર્યું કે જ્યારે રાષ્ટ્ર પર સંકટ આવે છે, ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સૌ એક પરિવાર બની જાય છે. આ જ ભારતની સાચી તાકાત છે.
