રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.

હિન્દ ન્યુઝ, સાબરમતી

  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેઓ ‘જનતાના રાજ્યપાલ’ છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે, તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના ‘આચાર્ય’ની માફક શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય – મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં તેઓ હંમેશાં બાળકોને ઉભેલા જોતા હોય છે. આ બાળકો નિર્દોષ ભાવે મોટરના કાફલા તરફ હાથ હલાવીને મહાનુભાવોનું અભિવાદન કરતા હોય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાં એન. એસ. એસ. ની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને પરત રાજભવન, ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે બાળકોને ઉભેલા જોયા. તેમણે તરત પોતાની કાર ઉભી રખાવી, બાળકોને નજીક બોલાવ્યા અને ગાડીમાંથી કાઢીને તેમને બિસ્કીટ્સ આપ્યા. તેઓ શું ભણે છે તેની પૃચ્છા કરી અને બાળકો ભણી-ગણીને હોશિયાર થાય, જીવનમાં ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને સમૃદ્ધ થાય એ માટે ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા આપીને આશીર્વાદ આપ્યા હતા.

Related posts

Leave a Comment