ગોધરા,
યુનો ઘોષિત ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પંચમહાલ જિલ્લામાં પણ મોરવા(હ) અને ઘોઘંબા ખાતે ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી માં કુલ ૯૦ લાખ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવનાર આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની હરહંમેશ કાળજી લીધી છે. આઝાદીની ચળવળમાં મહત્વનો ફાળો આપનારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું સ્મરણ કરી તેમણે ઉપસ્થિત સૌને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી ઈ-માધ્યમ દ્વારા ઉજવણીમાં સહભાગી થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રૂ.૧૩૬ કરોડના ખર્ચે શાળાઓ અને છાત્રાલયોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ આદિવાસી બંધુઓને ‘વિશ્વ આદિવાસી દિન’ની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઘોઘંબાના રાયણના મુવાડા ખાતે ૧૬,૩૦,૯૧૬૨૩૬૦- ના ખર્ચે નવ નિર્મિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા સંકુલના સ્કૂલ બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગ તથા સ્ટાફ ક્વાટર્સનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સ્વયંશિસ્ત અને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આ ઉજવણી કરાઈ હતી. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુજરાત વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૦ લાભાર્થીઓને સ્ટેજ પરથી અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શૈક્ષણિક તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા આદિજાતિના ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ આદિજાતિ ખેડૂતોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયાં હતાં.
આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકાર એ.જે.શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કરી મહાનુભાવોને આવકાર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજ માટે વિકાસકીય યોજનાઓ અને વિકાસગાથા રજૂ કરતી શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય સુ સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના લોકપ્રતિનિધીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સુફિયાન કઠડી, ગોધરા