હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરના જોલી બંગલા પાસે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ છે. હાલના સમયમાં દવાઓ લોકો માટે અનિવાર્ય છે. જન ઔષધિ કેન્દ્રોમાં ગુણવતાયુક્ત દવાઓ ૩૦ ટકાથી માંડી ૯૦ ટકા જેટલી સસ્તી મળે છે જેનાથી જરૂરિયાતમંદોને આર્થિક ફાયદો થાય છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રો પર ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ નાગરિકોને પોસાય તેવા ભાવે પૂરી પાડીને સામાન્ય નાગરિકોના જીવન પર નોંધપાત્ર અસર કરી લાવી શકાય તે હેતુ છે.આ કાર્યક્રમમાં સાંસદએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા. બાદમાં જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઇ દવાઓની વિતરણ પ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરવામાં આવી છે. જેમાં જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે જનઔષધિ કેન્દ્રો (JAKs) તરીકે ઓળખાતા સમર્પિત આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દર વર્ષે ૦૭ માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસ જેનેરિક દવાઓને પ્રોત્સાહન તેમજ આ યોજના વિશે જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેષભાઇ કગથરા, સી.ડી.એચ.ઓ. નુપુર પ્રસાદ, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય વિભાગની ટીમ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.