હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ નો ઐતિહાસિક લોકમેળો આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૩જી માર્ચ-૨૦૨૬ દરમિયાન જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાઈ રહ્યો છે.
જેને અનુલક્ષીને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે આનુષાંગિક તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના વડપણ હેઠળ રચાયેલી જુદા જુદા વિભાગો/અધિકારીઓની કમિટિઓને સોપવામાં આવેલી વિવિધ કામગીરી પુરજોશમાં શરૂ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે ‘મનોરંજન/વેપારી પ્લોટ ફાળવણી સમિતિ’ દ્વારા આ મેળા દરમિયાન સ્થાનિક તેમજ બહારથી અહીં આવનારા વેપારીઓને દુકાન માટે હંગામી ધોરણે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. મનોરંજન/વેપારી પ્લોટ ફાળવણી સમિતિ દ્વારા આહવાના જુદા જુદા ૮ જેટલા માર્ગો ઉપર ૯૫૦ થી વધુ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે.
જેમાં (૧) કલેક્ટર કચેરીથી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા સુધી (કલેક્ટર કચેરીની બંને બાજુ) કુલ ૮૫ પ્લોટ, (૨) સિવિલ હોસ્પિટલ ચાર રસ્તાથી નવાપુર મેઇન રોડ સુધી (ચર્ચની સામે વાળો રસ્તો બંને બાજુ) કુલ ૯૮ પ્લોટ, (૩) સાપુતારા સર્કલ થી કલેક્ટર કચેરી સર્કલ સુધી (સમર્થ હોસ્પિટલ વાળી લાઇન) કુલ ૯૨ પ્લોટ, (૪) કલેક્ટર કચેરી સર્કલ થી સાપુતારા રોડ ઉપર હનુમાનજી મહારાજ મંદિર સુધી કુલ ૧૦૦ પ્લોટ, (૫) એસ.બી.આઇ. બેંન્ક થી શહિદ સ્મારક સુધી (જિલ્લા પંચાયતની સામેની બાજુ) કુલ ૧૦૦ પ્લોટ, (૬) કલેક્ટર કચેરી સામેના ચાર રસ્તા થી માર્ગ અને મકાન વિભાગ સર્કલ (ફુવારા) સુધી જમણી બાજુ પોસ્ટ ઓફિસ વાળી લાઇન કુલ ૧૦૦ પ્લોટ, (૭) ફુવારા સર્કલ થી આહવા તળાવ સુધી (સેન્ટ્રલ બેંન્ક વાળી લાઇન) કુલ ૧૦૦ પ્લોટ, (૮) ફુવારા સર્કલ થી કલેક્ટર કચેરી સર્કલ સુધી પોલીસ સ્ટેશન આહવા સાઇડ રોડ વાળી લાઇન કુલ ૧૦૦ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી છે.
જિલ્લાની મુખ્ય સંકલન સમિતિની કામગીરી સાથે સ્ટેજ-મંડપ અને બેઠક વ્યવસ્થા, અને મહાનુભાવોના સ્વાગત માટેની સમિતિ, સાંસ્કૃતિક કાર્યકમો માટેની સમિતિ, સફાઈ અને સેનિટેશન સમિતિ, પીવાના પાણીની વ્યવસ્થા, મનોરંજન માટેના પ્લોટ અને વાણિજ્ય પ્લોટની ફાળવણી, ટ્રાફિક નિયમન, રાજવીશ્રીઓને ચૂકવાતા પોલિટિકલ પેન્શનના ચૂંકવણા, મહાનુભાવોના લાયઝનીંગ સહિત રહેવા-જમવાની વ્યવસ્થા, આપતિ વ્યવસ્થાપન, અને મેડિકલ સુવિધાઓ વિગેરે વિશે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્લોટ મેળવવા ઇચ્છુક સ્થાનિક વેપારીઓ તા.૧૯/૨૦ ના રોજ નિયત નમુનાનું ફોર્મ મેળવી શકે છે. જ્યારે બહારના વેપારીઓ જરૂરી સાધનિક રહેઠાણના પુરાવાઓ સાથે તારીખ ૨૧ થી ૨૪ દરમિયાન નિયત નમુનાનું અરજી ફોર્મ મેળવી શકે છે.
ઐતિહાસીક ડાંગ દરબારના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જાળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયું છે. જે મુજબ ગાંધી ઉદ્યાન થી ફુવારા સર્કલ, અને રંગ ઉપવન થી શહિદ સ્મારક સુધીના રસ્તામાં વાહન વ્યવહાર બંધ રાખીને, તમામ વાહનો ફુવારા સર્કલ થી આશ્રમ રોડ થઇ, પ્રવાસી ગૃહ ત્રણ રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ ચાર રસ્તાથી સુબીર, સાપુતારા રોડ તરફ જઈ શકે તે માટે ડાયવર્ઝન અપાયું છે.
