રાજકોટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સફળતાપૂર્વકના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રીસ્પોન્સ ટીમ (ક્યુ.આર.) અને ડોગ શોનું આયોજન થયું હતું. જેમાં સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાઝ જગાડી દેશની સુરક્ષામાં સી.આઈ.એસ.એફ.નું મહત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ક્વિક રીસ્પોન્સ ટીમના ૧૫ કમાન્ડો દ્વારા તમિલનાડુના સેલવમ આર્ટના અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા. આપત્તિના સમયે દેશની અને જવાનોની માટે કટિબદ્ધ જવાનો મિશન સફળતાપૂર્વક પાર પાડે તેનું નિદર્શન કરાયું હતું. જેમાં એક કમાન્ડોને ઘેરી વળેલા અન્ય આઠ કમાન્ડોનો સામનો કરી ચક્રવ્યૂહમાંથી બહાર આવી પોતાનો આબાદ બચાવ કર્યો હતો. ત્યારબાદ લાકડીથી સજ્જ કમાન્ડોએ સીનીયર અધિકારીઓને અભિવાદન પાઠવ્યા હતા. ઉપરાંત, કમાન્ડોએ સ્વ બચાવ માટેના વિવિધ આર્ટ દ્વારા તેમનું કૌવત બતાવ્યું હતું.

આ પ્રસંગે ડોગ શોનું પણ આયોજન કરાયું હતું. જેમાં બે અલગ અલગ બ્રીડના ડોગ દ્વારા સીનીયર અધિકારીઓને નમસ્તે કરી બુકે અર્પણ કરી સેલ્યુટ સહિતની તાલીમી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. કુતરાઓમાં સુંઘવાની શક્તિ માણસની સરખામણીએ અનેક ગણી વધુ હોઈ ડિફેન્સમાં ખાસ તાલીમ પામેલા કુતરાઓની મદદ લેવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ કે, આતંકવાદી પ્રવૃત્તિ સામે, મહત્વના કેસોનું સોલ્યુશન દરમ્યાન કુતરાઓ ગંધથી સ્ફોટક પદાર્થને શોધી કાઢે છે. ડોગ શોમાં તાલિમી કુતરાઓએ કાંટાળી તારમાંથી કૂદકો મારવો, આગની રીંગમાંથી પસાર થવા સહિતના કરતબ બતાવ્યા હતા.

Related posts

Leave a Comment