મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

              જામનગર જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ,

સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઇપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઇ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

ઉમેદવારના મતગણતરી એજન્‍ટ કે જેમને મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહી.

કોઇપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્‍ટ તેમજ મતગણતરી એજન્‍ટ સહિતના કોઇપણ વ્યક્તિ મતગણતરી કેન્‍દ્રના પરિસરમાં કે મતગણતરી હોલમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહાર ના અન્ય કોઇ ઉપકરણો લઇ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને ચૂંટણીના કવરેજ માટે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી કે આ માટે નિયત કરાયેલ અધિકારી દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલ છે, તેવા પત્રકારો મત- ગણતરી માટે નક્કી થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્‍ટર સુધી મોબાઇલ સાથે જઇ શકશે પરંતુ તેઓને કોઇપણ મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઇલ સાથે પ્રવેશ કરવાની મનાઇ રહેશે.

જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઇ રહે તે અતિ આવશ્યક હોય, સદરહુ બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્‍ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે. મતગણતરી કેન્‍દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્‍સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment