હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ શકે મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે યોજવામાં આવશે. આ મતગણતરી કેન્દ્રના ર૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૮/૦૨/૨૦૨૫ ના સવારના ૦૫.૦૦ થી ર૪.૦૦ કલાક સુધી (મતગણતરી પૂર્ણ થાય ત્યા સુધી) ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા અને સરઘસ કાઢવા તથા એકઠા થવા પર જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીએ અને જિલ્લા ચૂંટણી અધિકારી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલ/મંજુરી આપેલ વ્યકિતઓને લાગુ પડશે નહી.