હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપના એ ચાર્જ સંભાળતાની સાથે જ રોડ ઉપરના દબાણો, તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે મિલિંદ બાપનાએ આણંદ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી ગોવિંદ આર્યવડ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી.
મિલિંદ બાપના એ જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રોડ ઉપરના તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે.
તેમણે ટીપી સ્કીમ નંબર ૦૨ માં આવેલ ૧૮ મીટરનો રસ્તો છે, જેનો બીજો ભાગ ગામ તળની હદને અડીને આવેલો છે, જેની જરૂરી માપણી તાકીદે કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ને જણાવ્યું છે. આ ઉપરાંત ટીપી સ્કીમ નંબર ૦૮ માં અમીન ઓટો પાસે આવેલા ઝૂંપડા કે જે મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ પ્લોટમાં ઉભા કરવામાં આવ્યા છે, તેના ફાઇનલ પ્લોટ નંબર ૫૪ અને ૧૨૦ માં ગેરકાયદેસર દબાણો છે, જેમને નોટિસ આપવામાં આવી છે.
આમ, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા માપણી થયા બાદ ચોક્કસ અસર કર્તાઓને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવવામાં આવશે અન્યથા મહાનગરપાલિકા દ્વારા આવા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ અગાઉ આણંદ ના ટીપી સ્કીમ નંબર ૧૦ માં આવેલ રાજશ્રી સિનેમા પાસેના ગેરકાયદેસર દબાણો અને વલ્લભ વિદ્યાનગર મહાદેવ ખાડા વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.