સુશાસન સપ્તાહના પ્રારંભમાં આણંદ જિલ્લા પ્રશાસનનું સ્તુત્ય કાર્ય

હિન્દ ન્યુઝ, આણંદ

રાજય સરકાર દ્વારા લોકસુખાકારી માટે હાથ ધરવામાં આવેલ અનેકવિધ યોજનાઓના લાભો ગુજરાતના તમામ નાગરિકો સુધી પહોંચાડીને તેમના સર્વાંગી વિકાસ થકી તેમને સાચા અર્થમાં સુશાસનની અનુભૂતી થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે. આણંદ જિલ્લામાં પણ સરકારના જન પ્રતિનિધિઓની સાથે વિવિધ વિભાગોમાં રહેલા કર્મયોગી એવા સરકારી અધિકારી – કર્મચારીઓ દ્વારા પણ સરકારની જન સુખાકારીની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટેના યથાર્થ પ્રયાસો કરવામાં આવી રહયા છે.

આવો જ એક અભિનવ પ્રયાસ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની કચેરીઓમાં હાથ ધરાયો છે. સરકારી કચેરીઓમાં તેમના કામ અર્થે આવતાં અરજદારોને તેમની મુલાકાત દરમિયાન કચેરીના અધિકારી – કર્મચારીઓ તરફથી તેમને થયેલ અનુભવોને જાણવા માટે પોર્ટલ બનાવી તેનો કયુઆર કોડ પ્રત્યેક કચેરી બહાર લોકો જોઈ શકે તે રીતે લગાવવામાં આવ્યો છે. આ કયુઆર કોડના પોર્ટલને સુશાસન સપ્તાહના યોજાયેલા શુભારંભ કાર્યક્રમ દરમિયાન સાંસદ મિતેષભાઈ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના પારદર્શક અભિગમને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ તમામ કચેરીઓ ઉપરાંત જિલ્લાની સરકારી કચેરીઓમાં તેમના કામ માટે આવતાં અરજદારોના પ્રતિભાવો જાણવા માટે ક્યુઆર કોડ મૂકવામાં આવેલ છે. જે ક્યુઆર કોડ સ્કેન કરીને લોકો તેમનું નામ, મોબાઈલ નંબર, તાલુકો, જે ઓફિસ માટે પ્રતિસાદ આપવામાં આવ્યો હોય તે કચેરી, જે કામ માટે તે કચેરીની મુલાકાત લીધી હોય તેની વિગત અને મુલાકાતીનો પ્રતિસાદ જેવી વિગતો ભરીને સબંધિત કચેરીની તેમની મુલાકાત દરમિયાન થયેલ અનુભવો જણાવી શકશે.

ઉલ્લેખનિય છે કે, સરકારી કામ અર્થે અરજદારો કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, સ્ટેમ્પ ડ્યુટીની કચેરી, જમીન સંપાદનની કચેરી, શિક્ષણાધિકારીની કચેરી, આરોગ્ય અધિકારીની કચેરી, ખાણ ખનિજ વિભાગની કચેરી, તાલુકા પંચાયત, સહિતની જિલ્લાની તથા તાલુકાની કચેરીઓની મુલાકાતે જતા હોય છે. જેને ધ્યાને લઈ સમગ્ર રાજયમાં સંભવત: સૌ પ્રથમવાર લોકોના અભિપ્રાય જાણવા માટે નવતર પહેલના ભાગરૂપે જિલ્લાની તમામ કચેરીઓ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સંદર્ભે અરજદારો પોતાને થયેલ અનુભવ અભિપ્રાય રૂપે આપી શકે તે માટે તમામ કચેરીઓની બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. સબંધિત કચેરીઓની મુલાકાતે જનાર અરજદાર કચેરી બહાર લગાવવામાં આવેલ આ ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાનો પ્રતિભાવ આપી શકશે. અરજદારો દ્વારા આપવામાં આવેલ આ પ્રતિભાવો પોર્ટલના માધ્યમથી જિલ્લા કલેકટર જાણી શકશે.

Related posts

Leave a Comment