ગરૂડેશ્વરના વેલછંડી ખાતે “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ” યોજાયો

હિન્દ ન્યુઝ, નર્મદા

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વેલછંડીના જે. કે. ફ્રુટ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરીસંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડો. એ. પી. પટેલે જણાવ્યું કે, કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રોપ્રપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પુરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સાથે ડો.પી.ડી.સોલંકી દ્વારા આધુનિક ફ્રુટ અનાનસ ખેતી પદ્ધતી અને નવીનતમ ફળપાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક શ્રી એન. વી. પટેલે જણાવ્યું કે, ખેડૂતો સાથેના એક દિવસીય આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોના ખેત ઉત્પાદનમાં મહત્તમ વધારો થાય તેવા આશય સાથે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિષય નિષ્ણાંતો દ્વારા કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત શ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એક એકરમાં ૧૬ હજાર રોપાઓ એવી જ રીતે ૧૬ એકરમાં પાઈનેપલનું વાવેતર કર્યું છે. જે રોપા ખાસ પશ્રિમ બંગાળથી મંગાવવામાં આવ્યા છે, તે અંગે ખેડૂતોને નવીનતમ ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપીને બાગાયતી પાકો અંગે પ્રોત્સાહિત કરવા માટે ખેતર મુલાકાત અને પરિસંવાદ થકી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક અને નવીનતમ ખેતી અંગે પોતાના જાત અનુભવો અન્ય ખેડૂતો સમક્ષ મુક્યા હતા. ઉપરાંત, બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કેળ ઉત્પાદનને આયોજનબદ્ધ રીતે કરવા માટે પણ ખેડૂતોને ખુબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક શ્રી જીગરભાઈ પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ, વિષય નિષ્ણાંતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment