હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કક્ષામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બંને દિવસો દરમિયાન ઓલપાડ તાલુકાના કરંજ ગામે મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત ખેડુતોએ લીધી હતી. આ ફાર્મમાં ખેડુત મનહરભાઈ લાડે પ્રાકૃતિક ખેતી મોડેલ બનાવીને અનેકવિધ ફળફળાદિ પોતાના ખેતરમાં ઉગાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત જીવામૃત, ધનજીવામૃત, દશપર્ણીઅર્ક, બ્રહમાસ્ત્ર જેવા દવાઓ ઘર બેઠા બનાવીને છંટકાવ કરવાથી રોગ જીવાત નિયંત્રણ અંગે ખેડુતોને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા પુરી પાડી હતી.