ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હસમુખભાઈ ભંડારી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી થતી ઝેરયુક્ત ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વખતોવખત નિઃશૂલ્ક જીવામૃતનુ વિતરણ કરી રહ્યા છે. ઉમરગામના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનની બાજુના મેદાન પર યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે ૮૦૦ લીટર અને બીજા દિવસે પણ ૮૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ દિવસે ૪૦૦ ખેડૂતો અને બીજા દિવસે ૩૫૦ ખેડૂતોએ લાભ લીધો હતો. એક ખેડૂત દીઠ ૧૦ થી ૫૦ લીટર સુધીનું જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને જીવામૃતથી થનારા ફાયદા અને જીવામૃત કેવી રીતે બનાવવુ તે અંગેનું માર્ગદર્શન પણ પ્રગતિશીલ ખેડૂત હસમુભાઈ ભંડારી દ્વારા આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તેઓ કુલ ત્રણ વાર જાહેર સ્થળો પર લોકોને ફ્રીમાં જીવામૃતનું વિતરણ કરી ચૂક્યા છે. પ્રથમ વાર ૨૦૦ લીટર, બીજી વાર ૩૦૦ લીટર અને ત્રીજી વાર ૪૦૦ લીટર જીવામૃત વહેંચ્યુ હતું. આ સિવાય તેમણે કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદન કરેલી પ્રોડક્ટ જેવી કે, લીલી હળદર, આંબા હળદર, પપૈયા, મેથી ભાજી, મૂળા, વેગણ, લીલી ચા અને લાલ છોડની ભાજી પ્રદર્શનીમાં મુકી હતી. જેને લોકોએ હોંશે હોશે ખરીદી કરી હતી. સાથે જ હસમુખભાઈએ પ્રાકૃતિક ખેતી પધ્ધતિના પાંચ આયામોની પણ સમજ આપી પોતાના ખેતરમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment