હિન્દ ન્યુઝ, ઉમરપાડા
રાજ્યનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. આજે પ્રાકૃતિક ખેતીના અદભુત પરિણામો મળી રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત સંધ્યાબેન સંજયભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
વાત કરતા સંધ્યાબેન કહે છે કે, મેં ગયા વર્ષે આત્મા પ્રોજેકટની તાલીમ મેળવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના વધી રહેલા વ્યાપ વિષે જાણકારી મળતા તેમાંથી પ્રેરણા લઈને ગત વર્ષ તલમાં જીવામૃત તથા અગ્નિઅસ્ત્રનો છંટકાવ કર્યો હતો. જેમાં ઉત્તમ પરિણામ મળ્યા હતા. જેથી આ વર્ષે ૨૦ ગુંઠા જમીનમાં વાવેલા ડાંગરની ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, છાશ, ગુવાર બટો, મિકસ કરીને છંટકાવ કર્યો હતો. જે પાકમાં કારગર સાબિત થયું હતું. કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાનો છંટકાવ કર્યો નથી. ડાંગરના પાકમાં ખૂબ ફાયદો થયો છે.
ઘન જીવામૃતમાં બેક્ટેરિયા અને અળસિયા હોવાથી પાયાના ખાતરમાં વાપરી શકાય છે. જેનો છંટકાવ ખેડાણ બાદ વાવણી પહેલા જમીન ફળદ્રુપ કરવામાં મદદરૂપ બને છે, તથા પ્રવાહી જીવામૃતના તાજા છોડને છંટકાવ કરવાથી તેનો વિકાસ વધુ સુદ્રઢ થતો હોવાનું સંધ્યાબેન જણાવે છે.
આગામી સમયમાં ગામની અન્ય બહેનો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ઘરે ઘર જઈને સમજાવવાનો નિર્ધાર તેમણે કર્યો છે. પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે તેઓ કહે છે કે, રાસાયણિક ખાતરથી જમીન, વાતાવરણ, જીવજંતુ સહિત મનુષ્યનું સ્વાસ્થ્ય જોખમાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે, વધુ ઉત્પાદન મળે છે અને અને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. પ્રાકૃતિક કૃષિ સાત્વિક, શુદ્ધ ખોરાક સાથે સારૂ આર્થિક વળતર મળે છે. ખેડૂતોના મિત્ર અળસીયાની સંખ્યા જમીનમાં વધે છે. અળસીયા વધવાથી ભેજ વધે છે, પાણીની જરૂર પણ ઓછી રહે છે.
સંધ્યાબેનની પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતીની સફળતાથી પ્રેરાઈને ગામની તેમજ આસપાસની મહિલાઓ મુલાકાત લેવા આવે છે, જેઓને પણ પ્રેમથી માર્ગદર્શન આપી રસપૂર્વક આ કૃષિના ફાયદાઓ સમજાવે છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં વધુમાં વધુ ખેડૂતોને પણ સક્ષમ બનાવી રહ્યાં છે.