હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્ર સરકારે ૭૦ વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને ‘આયુષ્માન ભારત’ યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વય વંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
વન, મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયુષ્માન ભા-રત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમજેવાય યોજના સંલગ્ન હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધારકાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્માન વય વંદના કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા આવેલા વડીલોને વંદન કરી તેમણે આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મુશ્કેલીની ઘડીમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પરિવારને સુરક્ષા કવચ પૂરૂ પાડે છે. ગંગાસ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧૨૫૦ની આર્થિક સહાય ઘરબેઠા સીધા ઓનલાઈન તેમના બેન્ક ખાતામાં આપવામાં આવે છે. પરિવારના આધારરૂપ ભૂમિકા પુત્રની હોય છે, ત્યારે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વયવંદના કાર્ડ થકી દેશના વડીલોની પુત્રસમાન દરકાર લઈ રહ્યા છે.
અગાઉ વયોવૃદ્ધજનોના પગના ઘૂંટણ ઘસાઈ જતા ત્યારે ઘરગથ્થુ સારવાર મેળવતા હતાં, પણ હવે આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી વડીલોના ઘૂંટણના ઓપરેશન કરીને સરકારે ફરી પોતાના પગ પર ચાલતા કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ રૂ. ૩૩૦ વાર્ષિક પ્રીમિયમ ભરીને પરિવારને આર્થિક મુશ્કેલીઓ સામે સુરક્ષિત રાખવામાં સરકારની યોજના મદદરૂપ થઈ રહી છે એનો ઉલ્લેખ પણ મંત્રીશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ, ઈ. સરપંચ આનંદભાઈ, જિ. પં.ના સભ્ય સીતાબેન, અગ્રણી બ્રિજેશ પટેલ, કુલદીપસિંહ રાઠોડ, સુનિલ પટેલ, તા.પંચાયત સભ્યો, સંગઠનના કાર્યકરો, આરોગ્ય અધિકારી-કર્મચારીઓ, શિક્ષકગણ સહિત ૧૫૦૦ થી વધુ સંખ્યામાં વડીલ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.