હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળો ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ પીવાના પાણીના તમામ સ્ત્રોતની આજુબાજુ સ્વચ્છતાનું ઉંચુ ધોરણ જળવાય અને ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે અધિકારીઓનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલેકટરએ જિલ્લામાં ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી રોગચાળા સર્વેલન્સ અને રોગચાળા અટકાયતી પગલા, ક્લોરિનેશન, તેમજ નગરપાલિકા અને ગ્રામપંચાયત વિસ્તારોમાં પાવડર, જંતુનાશક દવાઓ સહિત જરૂરી સામગ્રીનો પૂરવઠો તેમજ પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ સમયાંતરે થાય વગેરે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા.
વળી વિપરિત પરિસ્થિતિમાં રોગચાળો ઉદ્ભવે તે પહેલા જ હોમ ટુ હોમ સર્વે, દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવા પણ સંબંધિત વિભાગને સૂચના આપી હતી અને ગ્રામ્ય તેમજ શહેરી સ્થળોએ પાણી ભરાયેલું ન રહે અને સ્વચ્છતા જળવાય તે બાબત પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Advt.