સુદ્રઢ અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને આજે ઈણાજ ખાતે આવેલા વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યાં હતાં. રવાના કરવામાં આવેલા આ ઈ.વી.એમ મશીન જે-તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. તેના ઉપલક્ષમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઈ.વી.એમ મશીનોને આજે જે-તે સ્થળે સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યાં હતાં.

આજે સવારે ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારેય વિધાનસભામાં ઉપયોગમાં લેવાનાર ૧,૨૯૯ બેલેટ યુનિટ, ૧,૨૯૯ કંટ્રોલ યુનિટ અને ૧,૪૦૨ VVPATનું રાજકીયપક્ષો અને એ.આર.ઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની રાહબરી હેઠળ ૯૦-સોમનાથમાં ૩૩૦ બેલેટ યુનિટ, ૩૩૦ કંટ્રોલ યુનિટ અને ૩૫૬ VVPAT, ૯૧-તાલાળામાં ૩૧૬ બેલેટ યુનિટ, ૩૧૬ કંટ્રોલ યુનિટ અને ૩૪૧ VVPAT, ૯૨-કોડીનારમાં ૩૧૩ બેલેટ યુનિટ, ૩૧૩ કંટ્રોલ યુનિટ અને ૩૩૮ VVPAT અને ૯૩-ઉનામાં ૩૪૦ બેલેટ યુનિટ, ૩૪૦ કંટ્રોલ યુનિટ અને ૩૬૭ VVPAT મળી કુલ ૧,૨૯૯ બેલેટ યુનિટ, ૧,૨૯૯ કંટ્રોલ યુનિટ અને ૧,૪૦૨ VVPATને રેન્ડમાઈઝેશન મુજબ ચારેય વિધાનસભામાં વિતરિત કરવામાં આવ્યા હતાં.

આ વિતરણ વખતે અધિક નિવાસી કલેકટર આર.જી.આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વ વિનોદ જોશી, એન.બી.મોદી, ચિરાગ હિરવાણિયા, ભૂમિકાબહેન વાટલિયા સહિત ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment