હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર શહેરમાં આગામી તારીખ 10/04/2024 ના રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિ નિમિત્તે વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે આવતા હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવો અનિવાર્ય બની રહે છે.
તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (1) (ખ) હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ આગામી તારીખ 10/04/2024 ના રોજ સવારના 05:00 કલાકથી 24:00 કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે જૂના રેલ્વે સ્ટેશન, ગીતા લોજ પાસેથી ત્રણ બત્તી ચોક સર્કલ સુઘીનો રસ્તો બંધ રહેશે. તેમજ વૈકલ્પિક રૂટ તરીકે જૂના રેલવે સ્ટેશનથી ગેલેક્સી સિનેમા તરફ જવાનો ડાયવર્ઝન રૂટ કાર્યરત રહેશે.
ઉક્ત જાહેરનામું કામગીરીમાં રોકાયેલ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (6) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.