કલેક્ટરની ગામ, નગર અને નગરપાલિકાને આવરી લેતી મતદાર જાગૃતિરેલી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમા સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાનરૂપે વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી.

આજે સવારે વેરાવળ નગરના ટાવરચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી વેરાવળ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ, કાજલી, લાટી, કદવાર, ભાલપરા, ડારી, આદ્રી વગેરેમાં ફરી હતી. આ સાથે કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોને અવગત કરાવવામાં આવ્યાં હતાં.

કલેક્ટરએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જાતે પગપાળા ચાલીને લોકોના ઘર અને ઉંબરા સુધી પહોંચીને લોકશાહીના અભૂતપૂર્વ પર્વ એવા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તેમજ પોતાના ઘર અને આસપાસના લોકોને પણ ચૂંટણીની પ્રક્રિયામાં સામીલ થવા માટે સમજણ આપી હતી.

            કલેક્ટરએ આ રેલી દરમિયાન વિવિધ શાળાઓમાં બાળકો દ્વારા ચૂંટણીલક્ષી તૈયાર કરાયેલ રંગોળી સહિતના ચિત્રોની સરાહના કરી ભવિષ્યની પેઢી એવા યુવાવર્ગને ચૂંટણીના પાઠ ભણાવ્યાં હતાં. તો બીજી તરફ તેમણે શાકભાજીવાળાથી માંડીને વેપારી અને ગ્રામજનો સુધી પહોંચીને તંત્રના પ્રયાસો સાથે લોકભાગીદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અંગેનો સંદેશ આપ્યો હતો.

કલેક્ટરએ ચૂંટણીમાં કામગીરી કરનાર બી.એલ.ઓ તથા તલાટીમંત્રીઓને જે મતદાન મથકો પર મહિલાઓની મતદાનની ટકાવારી ઓછી છે. તેમજ જ્યાં મતદાન ઓછું થાય છે તેવા વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને મોટાપાયા પર મતદાન થાય તે માટેના પ્રયત્નો આદરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મતદાનજાગૃતિ માટેની આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ પોલિસ અધિક્ષક વી.આર.ખેંગાર, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર-૧ ભૂમિકા વાટલિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડૂડિયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો

Related posts

Leave a Comment