ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪, ગીર સોમનાથ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે આજે સાંજે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચારસંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતાં.

તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે તેની વિગતો આપીને જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઉભા કરવામાં આવનાર સખીબૂથ, દિવ્યાંગો માટેની વ્યવસ્થાઓ, વેબકાસ્ટિંગ, એફએસટી અને એસએસટી ટીમો, હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી, રીસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરો, નાગરિક ફરિયાદ માટેની હેલ્પલાઈન તથા પોર્ટલ, પોસ્ટલ બેલેટ વગેરે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી, જાહેરાતો, હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી, MCMC- આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તથા સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ન ફેલાઇ તેની તકેદારી રાખવા સહિતની માહિતી પત્રકારોને આપી હતી.

કલેક્ટરએ આ લોકશાહીનું પર્વ છે ત્યારે જિલ્લાના નાગરિકો આગળ આવીને વધુમાં વધુ મતદાન કરે તે માટેની અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકોની સક્રિય ભાગીદારીથી જ આ લોકશાહીના પર્વની સાચી ઉજવણી થશે અને તો જ લોકશાહીનો સાચું હાર્દ જળવાશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલા મતદાન જાગૃતિ સહિતના પ્રયત્નોની તેમણે આ અવસરે વિશદ્ છણાવટ કરી હતી.

જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપીને જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ પેરામિલિટ્રી સાથેની બંદોબસ્તની વ્યવસ્થા, જિલ્લામાં રોકડ, દારૂ વગેરેની હેરફેર માટે વિવિધ જગ્યાએ નાકાબંધી કરીને સતત મોનિટરિંગ, હથિયારો જમા લેવા સહિતની કરવામાં આવેલી કામગીરી સહિત આચારસંહિતાને લઈને જિલ્લામાં સભા-સરઘસ, ધરણાં વગેરે મંજૂરીને આધિન થઈ શકશે તેની વિગતો પણ તેમણે આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં મહિલાઓની પણ સક્રિય ભાગીદારી વધે તે માટે જિલ્લામાં દસ ટકાથી વધુ મતદાનમાં ફેર છે તેવા ગામોમાં ગ્રામસભા કરીને જનજાગૃતિ લાવવામાં આવી છે. તેમણે મહિલાઓને આગળ આવી વધુને વધુ મતદાન કરે તે માટે ખાસ મહિલાઓ દ્વારા સંચાલિત મહિલાઓ માટેના સખીબૂથ પણ ઉભા કરવામાં આવનાર છે તેની વિગતો આપી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ- ૧૦,૦૬,૧૪૬ મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં ૫,૧૨,૧૬૪ પુરૂષ મતદારો અને ૪,૯૩,૯૭૧ મહિલા મતદારો અને ૧૧ ટ્રાન્સજેન્ડર મતદારો છે. જિલ્લામાં ૧૮થી ૨૯ વર્ષના ૨,૬૯,૭૬૯ મતદારો છે. જ્યારે ૮૫૬૫ મતદારો ૮૫ વર્ષ ઉપરના છે અને ૮૫૫૦ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં કુલ-૧૦૪૦ મતદાન મથકો છે. આ ઉપરાંત, જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત ૨૮ સખી મતદાન મથકો, દિવ્યાંગો દ્વારા સંચાલિત ૦૪, યુવાઓ દ્વારા સંચાલિત ૦૪ મતદાન મથકો છે તથા ૦૪ આદર્શ મતદાન મથકો રહેશે.

નાગરિકોની સુવિધા માટે ૨૪*૭ જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ચૂંટણી અને આચારસંહિતાના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ નિયત્રંણ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ જેવી ટીમોની રચના કરવામાં આવી આવી છે.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (VHA), cVigil, Suvidha portal, KYC જેવા અલગ અલગ પોર્ટલ અને એપ્લિકેશન મતદારો અને ઉમેદવારોને અલગ અલગ સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. cVIGIL એપ્લિકેશન પર નોંધાયેલી આદર્શ આચારસંહિતા ભંગ અંગેની તમામ ફરિયાદોનો માત્ર ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણીમાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને ૪૦%થી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગ મતદારો Saksham એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર સુવિધાઓ મેળવી શકશે. આ અવસરે જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપલબ્ધ રહ્યાં હતાં.

Related posts

Leave a Comment