અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલમહાકુંભનો રાજ્યવ્યાપી આરંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટેના પ્લેટફોર્મ સમા ખેલમહાકુંભનો ગીર સોમનાથ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે વિવિધ રમતોમાં ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ અને ઓપન સ્પર્ધામાં લેવા ઈચ્છુક રમતવીરો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા કોચ અને તરવરાટથી ભરેલા વિદ્યાર્થીઓ-ખેલાડીઓ, અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોડીનાર, ઉના, વેરાવળ, તાલાળા અને ગીર ગઢડા ખાતે તાલુકાકક્ષાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના સદસ્ય-હોદ્દેદારો અને રમતવીરો જાડાયા હતા. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને ઓનલાઈન નિહાળ્યો હતો. રાજ્યવ્યાપી ખેલમહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિના પગલે આજે ખેલ મહાકુંભ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવતા ખેલાડીઓ આપી રહ્યો છે. સરકાર દ્વારા કોરોના દિશા નિર્દેશ અનુરૂપ ઉચ્ચ કક્ષાની વ્યવસ્થાઓ ખેલાડીઓ માટે કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ ખેલ મહાકુંભના માધ્મમથી તૈયાર થાય તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓનલાઈન સંબોધન કરતાં રમત ગમત સાથે સંકળાયેલા યુવક યુવતીઓને પોલીસ વિભાગમાં સહેલાઇથી ભરતી થઈ શકે તેના માટે સરકાર યોજના બનાવવા વિચારી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ માં ભાગ લેવા ઈચ્છા રમતવીરો પોતાની શાળા મારફત રજિસ્ટ્રેશન કરી શકશે. તેમજ ઓપન સ્પર્ધામાં ખેલાડીઓ www.khelmahakumbh.gujarat.gov.in/ લિંક પર રજીસ્ટ્રેશન કરી શકશે આ કાર્યક્રમમાં જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ વરજાંગભાઇ વાળા, ડી.એલ.એલ.એસ. એકેડમીના સંચાલક કરશનભાઈ સોલંકી, વ્યાયામ શિક્ષક મંડળના મંત્રી બી. સી. સોલંકી, સિનિયર કોચ કાનજી ભાલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોશી તથા તાલુકાઓના સ્પોર્ટસ કન્વીનર, વેરાવળ ક્રિકેટ ક્લબના ખેલાડીઓ તથા યોગ બોર્ડના મહિલાઓ, જુદી જુદી રમતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.