પીએમ કિસાન ઉત્સવ દિવસ‘ અંતર્ગત સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વડોદરા જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, વડોદરા

   વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પવિત્ર ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આજે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ નિમિત્તે જિલ્લા કક્ષાનો ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાયનું સીધું ડીબીટી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય અવસર પર વડોદરા જિલ્લાના ૮ તાલુકાઓના કુલ ૧,૭૧,૨૯૮ ખેડૂત લાભાર્થીઓને આ હપ્તા અંતર્ગત કુલ રૂ. ૩૪.૪૧ કરોડની સહાય મળવાપાત્ર થઈ છે. જેમાં એકલા સાવલી તાલુકાના ૨૮,૮૪૪ ખેડૂતોને રૂ. ૫.૭૭ કરોડની સહાયનો લાભ મળ્યો છે.

આ પ્રસંગે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત કરાતી ચિંતાની સરાહના કરી હતી. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાય સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે, જે તેમને સ્વાભિમાન સાથે જીવવાનો આધાર પૂરો પાડે છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની મુક્ત કંઠે સરાહના કરતા જણાવ્યું કે, સરકારની કલ્યાણકારી નીતિઓના કેન્દ્રમાં હંમેશા દેશના કરોડો નાગરિકો અને ખેડૂતોનું હિત રહ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી જ આર્થિક સહાય પહોંચાડીને સરકારે તેમને આર્થિક સ્વાવલંબન અને સ્વાભિમાનભેર જીવવાનો મક્કમ આધાર પૂરો પાડ્યો છે, જેથી ખેડૂતોને ક્યારેય કોઈની સામે હાથ લંબાવવો ન પડે.

મંત્રીએ કૃષિ ક્ષેત્રના વર્તમાન પડકારો અંગે ચિંતા વ્યક્ત કરતા ખેડૂતોને અત્યંત ભારપૂર્વક ચેતવ્યા હતા કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ જમીનની ફળદ્રુપતાનો નાશ કરી રહ્યો છે અને પર્યાવરણ સહિત માનવ સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું કરી રહ્યો છે. તેમણે જમીનની અમૂલ્ય વિરાસતને બચાવવા, પર્યાવરણ શુદ્ધ રાખવા અને પોતાના પરિવારને રોગમુક્ત કરવા માટે તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ પાછા વળવા માટે મક્કમ આહવાન કર્યું હતું.

અંતમાં, મંત્રીએ રાજ્ય સરકારના રેકોર્ડબ્રેક બજેટનો ઉલ્લેખ કરીને કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો મુખ્ય ધ્યેય વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવાનો અને તેમની આવક બમણી કરવાનો છે, જેથી ગુજરાત હંમેશા દેશભરમાં કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહે.

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના ખેડૂતો માટે ‘પીએમ કિસાન સન્માન નિધિ‘ જેવી કૃષિલક્ષી યોજના શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ તકે તેમણે ખેડૂતો અને વડોદરા જિલ્લા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, વડોદરા ખાતે ટૂંક સમયમાં જ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને પ્રોસેસિંગ તેમજ એક્સપોર્ટ યુનિટ ધરાવતો ‘મેગા ફૂડ પાર્ક’ શરૂ થવા જઈ રહ્યો છે, જેના માટે બજેટની ફાળવણી અને જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે, તેમ ઉમેરી અંતમાં તેમણે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને અપાતી આર્થિક સહાય અને હપ્તા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત જનમેદનીને દિવાળીની અગાઉથી શુભેચ્છાઓ પાઠવતા પોતાને ધારાસભ્ય કરતાં જનતાનો ભાઈ અને દીકરો ગણાવી આજીવન લોકસેવા કરવાની ભાવના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અને સ્વાસ્થ્યવર્ધક પેદાશો મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સુખદ અનુભવો વર્ણવતા ઉપસ્થિત ખેડૂત મિત્રોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ પરત ફરવા વિશેષ અનુરોધ કર્યો હતો.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા ખેડૂતોએ બનાસકાંઠા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહર્ષ નિહાળ્યું હતું. 

સાવલી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, ડી.ડી.ઓ. આનંદ પાટીલ, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અને કૃષિ અધિકારીઓ, બરોડા સેન્ટ્રલ કો-ઓપ. બેંકના ચેરમેનશ્રી રાજુભાઈ પટેલ, સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, કૃષિ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment