સમગ્ર પલસાણા તાલુકાના છ સથ્ળોએ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, પલસાણા 

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪માં હપ્તા પેટે દેશભરના ખેડુતોના ખાતામાં કરોડોનો સહાય ડી.બી.ટી. મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. જેમાં પલસાણા તાલુકાના ખેડુતોના ખાતામાં પણ રકમ જમા થઈ હતી. 

           જેના ભાગરૂપે પલસાણા તાલુકામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગત છ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કારેલી ગ્રામ પંચાયત હેઠળ ગંગાધરાની નૂતન બાગાયત મંડળી, વણેસાના ઠાકોરજી મંદિર, લિંગડ ગામના સ્વામિનારાયણ મંદિર, ઇશરોલી સીએચસી સેન્ટર નજીક, વરેલીમાં ખરભાસી ગ્રામ પંચાયત સામે તેમજ બગુમરાના મારેવા સાંસ્કૃતિક ભવન ખાતે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લાભાર્થીઓ જોડાયા હતા.

                  આ અવસરે એલઈડી સ્ક્રીનના માધ્યમથી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હેતુ, લાભ અને ખેતીલક્ષી આર્થિક સહાય અંગે માહિતી આપવામાં આવી હતી.

                 કારેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુમુલ ડેરીના વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકી, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પલસાણા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેન રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ ૩૦૬ લોકોએ હાજરી આપી હતી, જેમાં ૨૬૪ પુરુષો અને ૪૨ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

                તુંડી ગામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બેઠકના પ્રતિનિધિ તેજસભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ રાઠોડ, સહકારી આગેવાન કેતનભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ ૩૮૦ લોકો જોડાયા હતા, જેમાં ૧૬૭ ખેડૂત બહેનો અને ૧૭૫ ખેડૂત ભાઈઓનો સમાવેશ થાય છે. પાંચ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

            લિંગડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યો બિનલબેન આહીર અને ગાયત્રીબેન રાઠોડ, લિંગડ સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત સ્થાનિક ખેડૂત અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ ૫૧૮ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ૩૬૨ પુરુષો અને ૧૫૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પણ પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

          વણેસા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બેઠકના પ્રતિનિધિ અરવિંદભાઈ રાઠોડ, પલસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મૂકેશભાઈ રાઠોડ, સહકારી આગેવાન શૈલેષભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ ૨૫૨ લોકોએ હાજરી આપી હતી, જેમાં ૧૭૫ ખેડૂત ભાઈઓ અને ૭૭ ખેડૂત બહેનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

           બગુમરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં પલસાણા તાલુકા પંચાયતનાં પ્રમુખ અશ્વિનીબેન નિકુંજભાઈ વાસીયા, તાલુકા પંચાયત સભ્યો નેહાબેન રાઠોડ અને પુષ્પાબેન રાઠોડ, ચલથાણ સુગરના ડિરેક્ટર કમલેશભાઈ નાયક સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કુલ ૪૨૬ લોકોએ ભાગ લીધો હતો, જેમાં ૨૬૫ પુરુષો અને ૧૬૧ મહિલાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

           ખરભાસી ગામે યોજાયેલા કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય રેખાબેન રાઠોડ, ખરભાસી ગામનાં સરપંચ શાંતાબેન ગણપતભાઈ આહીર, કડોદરા નગરપાલિકાના પ્રમુખ રામભાઈ ચોસલા, પલસાણા તાલુકા પંચાયતના સભ્ય મુકેશસિંહ રાણા, અંત્રોલી સેવા મંડળીના પ્રમુખ અરવિંદભાઈ પટેલ તેમજ એરથાણ-વડદલા પિયત મંડળીના પ્રમુખ પ્રગ્નેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૪૦૮ લોકોએ હાજરી આપી હતી, જેમાં ૨૮૪ પુરુષો અને ૧૨૪ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પાંચ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

           આ અવસરે કાર્યક્રમોમાં અધિકારીઓ, કર્મચારીઓ, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment