આણંદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદમાં શનિવારે મહિલા કમિશ્નર અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,આણંદ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાઉન હોલ, આણંદ ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાબેન સિંધાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બનાવી વિવિધ મુદ્દાઓ પર ડિબેટ કરવામાં આવી હતી. 

અગ્રણી નિપાબેન પટેલ દ્વારા દિકરીઓ સશકત અને સક્ષમ બની શકે તે હેતુથી મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની તેજસ્વી દિકરી વેદાંશી પટેલ હાજર રહી હતી. તેણીએ હાંસલ કરેલ વિવિધ સિધ્ધિઓ અંગે વાત કરી દિકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. 

મહિલા અને બાળ અધિકારી ફરજાના ખાન દ્વારા તેમની કચેરી દ્વારા અમલી સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. 

આઈ.સી.ડી.એસ. કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર બહેન, આરોગ્ય અધિકારીની કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનો તથા આણંદ જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ બેઝબોલ, સોફટબોલ, આર્ચરી, જુડો રમતોમાં વિજેતા બનેલ દિકરીઓને હાઈજિન કીટ અને પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા કક્ષાએ રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર દિકરીઓ માટે હાઈજિન કીટ તથા સ્પર્ધાઓમાં વિજેતા બનનાર દિકરીઓને હાઈજિન કીટ, ટી-શર્ટ, મગ અને કેપનું વિતરણ કરવામાં આવ્યું હત. 

આ પ્રસંગે “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત લાભાર્થી દીઠ રૂ.૧.૧૦ લાખની રકમના મંજુરી હુકમ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થી દીઠ રૂ.૫૦ હજારની રકમના મંજુરી હુકમ તથા દિકરી જન્મને પ્રોત્સાહન બદલ દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર ચેતન મહેતા દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું તથા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠક્કર દ્વારા દિકરીઓને “ગુડ ટચ” અને “બેડ ટચ” વિશે અને પાલક માતા-પિતા યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર કોમલબેન, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓ, DHEW યોજના, પી.બી.એસ.સી. યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજનાના કર્મચારીગણ, આંગણવાડી કાર્યકર બહેનો, પુર્ણા યોજના હેઠળની સખી-સહ સખી સહિત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ હાજર રહ્યાં હતાં.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment