જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી

    આજ રોજ નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારી શહેર-જિલ્લામાં પ્રવર્તમાન વિકાસ કામગીરીઓ અને જિલ્લાની માળખાગત સુવિધાઓ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નો – રજૂઆતો તથા જિલ્લાનાં વિવિધ વિકાસ કામો વિશે તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

સંકલન બેઠક દરમિયાન કલેકટરએ જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. અને જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કાર્યરત સર્વાંગી વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર થાય તે માટે અધિકારીશ્રીઓ પરસ્પર સંકલનમાં રહેવું, જેથી સ્થાનિક સ્તર જ પર વહેલી તકે પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ થાય. સાથે, ડિજિટલી સંદેશાવ્યવહાર અને વહીવટી સરળતા અર્થે સરકારશ્રીના ઇ-સરકાર પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા હાજર તમામ અધિકારીઓને સૂચના આપી હતી. 

સંકલન બેઠકમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા કરાયેલ રજૂઆતો અંગે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને નિરાકરણ સંદર્ભે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. 

સંકલન બેઠકમાં જિલ્લા કલેકટરએ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ ગામોની મુલાકાત અને ફિલ્ડ વિઝિટ દરમિયાન લોકોના પ્રશ્નો તથા થયેલ કામગીરીઓ, દરખાસ્તો તથા ભવિષ્યના આયોજનો વિશે પણ સવિસ્તાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, અધિક કલેકટર વાય. બી. ઝાલા, નવસારી ચીખલી અને વાંસદા પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment