હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ભેંસકાતરી પ્રાથમિક શાળાના આજરોજ ૭૫ વર્ષ પૂર્ણ થતાં, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળાનાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે અધ્યતન સુવિધા યુક્ત શાળાઓ શરૂ કરવામાં આવેલ છે. આજે ઉજવાઇ રહેલ શાળાના અમૃત મહોત્સવમાં પ્રસંગે શાળામાં યોગદાન આપનાર ઉપસ્થિત ગામના તમામ વાલીઓ અને આગેવાનોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ આ શાળા માંથી શિક્ષણ મેળવીને ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરનાર ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પણ તેઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.
શાળાએ ગામનું ધરેણું છે તેમજ શાળાના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે, બાળકો શિક્ષણમાં રુચિ કેળવે, અભ્યાસ બાબતે ધ્યાન કેન્દ્રિત કરે તે માટે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ સમયાંતરે બાળકોનું મૂલ્યાંકન કરે તેવી અપીલ કરી વિજયભાઇ પટેલે કરી હતી.
વધુમાં ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા નિવારણ માટે તાપી આધારિત ૮૬૬ કરોડ ની યોજનાની કામગીરી ચાલી રહી છે. જેનાથી જિલ્લાના આશરે ૨૫૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં લાભ મળશે તેમ પટેલે જણાવ્યું હતું. સાથે તાજેતરમાં ખાતમુહર્ત અને લોકાર્પણ થયેલ વિયર અને ચેકડેમો થકી પાણી સમસ્યા નિવારણ થશે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય, ટકાઉ વિકાસ ક્ષેત્રમાં અગ્રેસર રહી પ્રગતિના પંથે આગળ વધે તે માટે સરકાર કટિબધ્ધ છે. તેમ જણાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ પટેલે વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ પણ શિક્ષણ ખુબ જ મહત્વનું તેમ જણાવી શિક્ષિત સમાજનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ગામના સરપંચ, સભ્યોશ્રીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
