હિન્દ ન્યુઝ, ડાંગ
મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા એસ્પરેશનલ બ્લોક સુબીર તાલુકાના શિંગાણા ખાતે આજરોજ “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” કાયદા અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાનીના દિશાદર્શન હેઠળ તેમજ શિંગાણા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ સુજાતાબેન પવારના અધ્યક્ષપણા યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કે.એ. ગિરાસેએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાને ૨૦૦૫ ના ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. કાયદાની કલમ 3 મુજબ, “પ્રતિવાદીનું કોઈપણ કૃત્ય, ભૂલ અથવા આચરણ ઘરેલુ હિંસા ગણાશે જો તે પીડિત વ્યક્તિના સ્વાસ્થ્ય, સલામતી, જીવન, અંગ અથવા સુખાકારી, માનસિક કે શારીરિક, નુકસાન પહોંચાડે છે અથવા જોખમમાં મૂકે છે અથવા તેમ કરવાની વૃત્તિ ધરાવે છે અને તેમાં શારીરિક શોષણ, જાતીય શોષણ, મૌખિક અને ભાવનાત્મક શોષણ અને આર્થિક શોષણનો સમાવેશ થાય છે. અથવા પીડિત વ્યક્તિને અથવા તેણીના સંબંધી અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ દહેજ અથવા અન્ય મિલકત અથવા મૂલ્યવાન સુરક્ષાની ગેરકાયદેસર માંગણી પૂરી કરવા માટે દબાણ કરવા માટે હેરાન કરે, નુકસાન પહોંચાડે, ઇજા પહોંચાડે અથવા પીડિત વ્યક્તિ અથવા તેના સંબંધિત કોઈપણ વ્યક્તિને ધમકી આપવાની અસર હોય અન્યથા પીડિત વ્યક્તિને શારીરિક કે માનસિક રીતે ઇજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે. મહિલાઓને રક્ષણ આપતો કાયદો બનાવવામાં આવ્યો હતો.
કાનુની સેવા સત્તા મંડળના વકીલ સંજયભાઇ બારિયા મહિલાલક્ષી કાયદાઓ, “જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ”, દ્રિપત્નિત્વ તેમજ નાની વયે થતા બાળ લગ્ન વિશે ઉદાહરણ આપી સમજણ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના પેરા લિગલ યશોદાબેન દ્વ્રારા ભારતીય ન્યાય સંહિતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર સુબીરના કાઉન્સેલર અંજનાબેન ગામિત દ્વ્રારા પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટરની માહિતી આપી હતી. તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના (DHEW) જેન્ડર સ્પેશ્યાલિસ્ટ સંગીતાબેન દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક કાર્યરત મહિલાલક્ષી યોજનાઓ જેમ કે, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થીક સહાય યોજના તથા વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટરની માહીતી તેમજ મહિલા સ્વાવલંબન યોજના વિશે સંપુર્ણ માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે દિકરી વધામણા કિટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ સેમિનાર અનુરૂપ કિટ વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો.
