હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલ એમ.આર.ડી. આર્ટસ તથા ઈ.ઈ.એલ.કે. કોમર્સ કોલેજના કેમ્પસમાં પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના વરદહસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. નવા મકાનમાં ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ ઇન્ડોર ક્રિકેટ નેટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં સમયની માંગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણક્ષેત્રે નવી દિશાની ઝાંખી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા સ્થાપિત થયેલી આ કોલેજે અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેઓને જીવનમાં સફળ કારકિર્દી બનાવવા માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે. કોલેજના સ્થાપકોના યોગદાનને યાદ કરતાં તેમણે તેમના દ્રષ્ટિપૂર્ણ કાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આજે જે વિકાસ જોવા મળે છે તે તેમના સંકલ્પ અને સમર્પણનું પરિણામ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિભાગના કુલ બજેટમાંથી મહતમ રકમ શિક્ષણ પાછળ ફાળવવામાં આવી રહી છે, જે શિક્ષણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુવાનોને સંબોધતાં મંત્રીએ સમયનો સદુપયોગ કરવાની સલાહ આપી અને ઉચ્ચ ભણતર પ્રાપ્ત કરી સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેકનોલોજીના શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા જ્ઞાન અને કૌશલ્ય વિકસાવવા ભાર મૂક્યો. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવા સંકુલથી આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે અને વિસ્તારનો શૈક્ષણિક વિકાસ વધુ ગતિશીલ બનશે.
