મહીસાગર જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

હિન્દ ન્યુઝ, મહીસાગર

       મહીસાગર જિલ્લામાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી બાલાસિનોર સિડફાર્મ સર્વોદય હોસ્પિટલની બાજુમાં, સેવાલીયા રોડ ખાતે કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ મંત્રી એ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ. સ્વાતંત્ર્ય સેનાનીઓને તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં વિકસિત ભારતની સંકલ્પના સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી પોહચાડવામાં આવ્યા હતા. ગંગાસ્વરૂપા મહિલાઓને સહાયરૂપ થવાના ઉદ્દેશથી અમલીકૃત “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” અંતર્ગત મહીસાગર જીલ્લામાં છેલ્લા 01 (એક) વર્ષમાં અંદાજે 26,575 ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે કુલ રૂ. 43.00 કરોડ જેટલી રકમ સીધી તેમના બેક/પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવેલ છે. “પી.એમ.જે.એ.વાય મા” યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક ૧૦ (દસ) લાખ સુધીનું આરોગ્ય કવચ ધ્વારા હદયરોગ, કિડની, ડાયાલિસીસ, કેન્સર, આકસ્મિક સારવાર, ડીલીવરી, ન્યુરોસર્જરી જેવી નાની મોટી ગંભીર બિમારીમાં માન્યતા હોસ્પિટલમાં વિનામુલ્યે સેવા પુરી પાડવામાં આવે છે. જિલ્લામાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૫,૫૪,૮૯૫ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી.

  તેમણે જણાવ્યું કે, આંતરર્રાષ્ટ્રીય મિલેટ ઇયર ને ધ્યાને રાખી લોકોમાં મિલેટ પાકો જેવા કે નાગલી(રાગી), વરી, કોદરી, કાંગ, બંટી અને ચીણો જેવા પાકોનુ વાવેતર વધે એ માટે દરેક તાલુકા કક્ષાએ મિલેટ મેળાનું આયોજન કર્યુ હતુ જેમા બહોળી સંખ્યામાં ખેડુતોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી હવે જરૂરીયાત બની રહી છે જેને ધ્યાને રાખી મહિસાગર જિલ્લામાં ચાલુ વર્ષે તમામ ગામોમાં પાકૃતિક ખેતીની તાલીમોનું આયોજન કરવમાં આવ્યુ અને અત્યાર સુધીમાં ૧,૦૨,૬૧૭ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, જે અન્વયે ૨૨,૧૮૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે બાલાસિનોર પ્રાંત અધિકારી ને ૨૫ લાખ ચેક અર્પણ કરાયો. જિલ્લાના વિવિધ વિભાગો દ્રારા ટેબ્લોનું પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય માનસિહ ચૈાહાણ, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઇ પાઠક, જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા,જિલ્લા વિકાસ અધિકારી ચન્દકાંત પટેલ, પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી.વી.લટા, પ્રાંત અધિકારી, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment