આગામી તા.૨૪ તથા ૨૫ નવેમ્બરના રોજ જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’નુ આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર 

      જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા ખેતીવાડી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૨૪ તથા તા.૨૫ નવેમ્બરના રોજ કે.વી.કે.જામનગર તથા કાલાવડ, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડીયા એ.પી.એમ.સી. ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’નુ આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે આયોજનની સુચારૂ અમલવારી માટે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. 

કાર્યક્રમની વિગતો આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલે જણાવ્યુ હતુ કે તા.૨૪ તથા તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી કરવામાં આવશે. કાર્યક્રમમાં કૃષિ પરીસંવાદ તથા ૧૫ જેટલા સ્ટોલ મારફત કૃષિ પ્રદર્શની યોજાશે સાથે સાથે સેવા સેતુ તથા પશુ આરોગ્ય મેળાનુ પણ આયોજન હાથ ધરવામાં આવશે તેમજ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સહાય યોજનાઓના મંજૂરીપત્રો તેમજ સહાય હુકમોનુ વિતરણ કરવામાં આવશે. 

કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન (મિલેટ), ખેતી ખર્ચના ઘટાડા માટે સાધનોનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનનો વધારો કરવો તથા કૃષિલક્ષી પ્રશ્નોતરી યોજાશે. તેમજ બેસ્ટ આત્મા ફાર્મરનુ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સન્માન, ચેક તથા વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે. જ્યારે કાર્યક્રમના બીજા દિવસે પ્રદર્શનના સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાતનુ આયોજન હાથ ધરાશે.

Related posts

Leave a Comment