વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા માર્ગો પર તેમજ નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ટાળવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

બોટાદ

 હાલ રાજ્યભરમાં વરસાદ થઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના નાગરીકો માટે ચોમાસાની ઋતુને અનુલક્ષીને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલ જિલ્લાવાસીઓએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું. જિલ્લાની સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલી તકે નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચી જવું વધુ હિતાવહ છે. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. અફવાઓથી દૂર રહેવું.

આ ઉપરાંત નાગરીકોને અનુરોધ છે કે વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા માર્ગો પર અવરજવર ટાળવી. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. વીજળીના થાંભલા પાસે, વૃક્ષો પાસે કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું. ડેમ, નદી, કે દરિયા કિનારે ન જવું. હાથ બત્તી, મોબાઇલને ચાર્જ કરીને રાખવા. ચોમાસામાં વરસાદની સ્થિતિ દરમિયાન પશુને બાંધી રાખવાં નહીં. વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાનમાં રહેવું હિતકારક છે. જિલ્લાનાં નાગરીકોને ખાસ વિનંતી છે કે કોઈપણ આકસ્મિક બનાવ બને ત્યારે જરાપણ ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરવો. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા અથવા તાલુકા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું.

રિપોર્ટર : સંજય ડણીયા,બોટાદ

Related posts

Leave a Comment